Bhavnagar

સાયબર ફ્રોડનો ભોગ બનનારાને એક વર્ષમાં રૃા.૪.૧૪ કરોડ રિફંડ કરાયા

By GS Team
5 Jul 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં સાયબર ફ્રોડ સામે પોલીસે 'ઓપરેશન મ્યૂલ હંટ 1.0 અને 2.0' હાથ ધરી 41 આરોપીઓને ઝડપ્યા છે. જૂન-2025 થી જૂન-2026 દરમિયાન 7 પોલીસ મથકોમાં 15 ગુના નોંધાયા હતા, જેમાં કુલ 13.91 કરોડનું ફ્રોડ થયું હતું. પોલીસે 4.14 કરોડ રિફંડ કર્યા છે. કુંભારવાડા અને તળાજામાં મ્યૂલ એકાઉન્ટની બે ગેંગની પણ ઓળખ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર ફ્રોડનો ભોગ બનનારાને એક વર્ષમાં રૃા.૪.૧૪ કરોડ રિફંડ કરાયા

ઓપરેશન મ્યૂલ હંટ ૧.૦ અને ૨.૦ અંતર્ગત અત્યાર સુધીમાં ૪૧ આરોપીઓ ઝડપાયા

ભાવનગર શહેર-જિલ્લાના સાત પોલીસ મથકોમાં કુલ ૧૫ ગુના નોંધાયા, મ્યૂલ એકાઉન્ટ થકી જૂન-૨૦૨૫થી જૂન-૨૦૨૬ દરમિયાન કુલ રૃા.૧૩.૯૧ કરોડનું સાયબર ફ્રોડ થયું હતું

ભાવનગર - સાયબર ફ્રોડ થતી લોકોના પરસેવાની કમાણીને ચાંઉ કરી જનારા તત્વો સામે ભાવનગર પોલીસ દ્વારા ઓપરેશન મ્યૂલ હંટ હાથ ધરવામાં આવ્યું હતું. જૂન-૨૦૨૫થી જૂન-૨૦૨૬ દરમિયાન 'ઓપરેશન મ્યૂલ હંટ ૧.૦ અને ૨.૦' હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેર-જિલ્લાના સાત પોલીસ મથકોના કુલ ૧૫ ગુનાઓમાં કુલ ૪૧ આરોપીઓને ઝડપી લેવાયા હતા. જેમના એકાઉન્ટમાં એનસીઆરપી પોર્ટલની અરજી અનુસાર કુલ રૃ.૧૩.૯૧ કરોડની છેતરપિંડીની રકમ આવી હતી. જેમાંથી પોલીસે રૃા.૪.૧૪ કરોડ રિફંડ થયાં છે.

સાયબર ફ્રોડ થકી લોકો સાથે છેતરપિંડીથી પૈસાની છેતરપિંડી આચરી મ્યૂલ એકાઉન્ટ થકી પૈસાને સગેવગે કરી દેનારી સિન્ડિકેટ સામે ભાવનગર પોલીસ દ્વારા ઓપરેશન મ્યૂલ હંટ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે જૂન-૨૦૨૫થી જૂન-૨૦૨૬ દરમિયાન 'ઓપરેશન મ્યૂલ હંટ ૧.૦ અને ૨.૦' હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 'ઓપરેશન મ્યૂલ હંટ ૧.૦' અંતર્ગત ભાવનગરના વરતેજમાં ૧, બરતળાવમાં ૧, ઘોઘારોડમાં ૪ અને વલ્લભીપુર પોલીલ મથકમાં ૧ મળી કુલ ૭ ગુના નોંધવામાં આવ્યા હતા અને તેના અંતર્ગત કુલ ૨૨ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. મ્યૂલ હંટ ૧.૦ અંતર્ગત નોંધાયેલા ગુનામાં કેન્દ્ર સરકારના એનસીઆરપી પોર્ટલમાં ફ્રોડની ૩૮ અરજીઓ થઈ હતી અને પોર્ટલ અન્વયે આરોપીઓના એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ કુલ રૃા.૭,૦૧,૮૫,૪૯૦ આવી હતી. જે બાદ 'ઓપરેશન મ્યૂલ હંટ ૨.૦' અંતર્ગત બોરતળાવમાં ૧, નિલમબાગમાં ૨, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ૩ અને મહુવા ટાઉન પોલીસ મથકમાં બે મળી કુલ ૮ ફરિયાદ નોંધાઈ હતી અને તેના અંતર્ગત પોલીસે ૧૯ આરોપીઓને ઝડપી લીધાં છે. મ્યૂલ હંટ ૨.૦ અંતર્ગત નોંધાયેલા ગુનામાં એનસીઆરપી પોર્ટલમાં ફ્રોડની ૩૦૮ અરજીઓ થઈ હતી. પોર્ટલ અન્વયે આરોપીઓના એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ કુલ રૃા.૬,૮૯,૯૧,૩૭૩ આવી હતી. આમ, શહેર-જિલ્લાના સાત પોલીસ મથકોના કુલ ૧૫ ગુનાઓમાં કુલ ૪૧ આરોપીઓને ઝડપી લેવાયા હતા. જેમના એકાઉન્ટમાં એનસીઆરપી પોર્ટલની અરજી અનુસાર કુલ રૃ.૧૩.૯૧ કરોડની છેતરપિંડીની રકમ આવી હતી. જે બાદ પોલીસે છેતરપિંડીની અરજીમાં કાર્યવાહી કરી છેતરપિંડના નાણાં બેંકમાં હોલ્ડ કરીને જૂન-૨૦૨૫થી જૂન-૨૦૨૬ સુધીમાં કુલ રૃા.૪,૧૪,૨૪,૨૦૩નું રિફંડ સાયબર ફ્રોડનો ભોગબનનારા અલગ-અલગ લોકોને કરી દેવામાં આવ્યું છે.

પોલીસ તપાસમાં પાંચ ક્રિપ્ટો વોલેટની ઓળખ થઈ

સાયબર ફ્રોડના નાણાં બે અલગ-અલગ રીતે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ થતાં હોવાનું ખુલ્યું હતું. જેમાં ભોગ બનનારના નાણાં મ્યૂલ એકાઉન્ટમાંથી સીધાં ક્રિપ્ટો કરન્સીમાં કનવર્ટ થતાં હોવાનું તેમજ સાયબર ફ્રોડના નાણાં મ્યૂલ એકાઉન્ટમાંથી પાંચ આંગડિયા પેઢી થકી સુરતમાં મોકલવામાં આવતા હતા અને ત્યાંથી તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાતા હતા. તપાસમાં પાંચ ક્રિપ્ટો વોલેટની પણ ઓળખ થઈ છે.

૩૦૦થી વધારે સાક્ષી અને ૨૦થી વધારે મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન બાદ ગુજસીટોકની કાર્યવાહી

પોલીસે આ મામલે ૩૦૦થી વધારેના સાક્ષીના નિવેદન, ૨૦થી વધારે મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લઈ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. તેમજ ૨૫થી વધારે સીસીટીવી ફૂટેજ  અને ૩૦ પંચનાના કરવામાં આવ્યા છે.

કુંભારવાડા અને તળાજામાં મ્યૂલ એકાઉન્ટની બે ગેંગની ઓળખ થઈ ઃ એએસપી

આ મામલે ભાવનગર ગ્રામ્ય એએસપીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં સ્ક્રિય મ્યૂલ એકાઉન્ટની ફેક્ટરની નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. કુંભારવાડા અને તળાજામાં મ્યૂલ એકાઉન્ટની બે ગેંગની ઓળખ થઈ છે જેમની સામે આગામી દિવસોમાં કાર્યવાહી થશે. ઉપરાંત આ સિન્ડિકેટના મૂળમાં ચીન અને કંમ્બોડિયાની કંપનીઓ છે અને તેની તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવાના પ્રયાસ થઈ રહ્યાં છે. મુખ્ય સૂત્રધાર દશરથ સુધી પહોંચવા રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવાની કામગીરી પણ ચાલી રહી છે.