ગઢડામાં જય જગન્નાથના જયઘોષ સાથે રંગેચંગે રથયાત્રા સંપન્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુખ્ય માર્ગો પર દર્શન માટે માનવમેદની ઉમટી
રથયાત્રામાં ૬૫ વાહનો સાથે વિવિધ મંડળો દ્વારા સાંસ્કૃતિક દર્શન કરાવતા ૫૨ ફલોટસ રજુ કરાયા
ગઢડા - ગઢડા શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અને તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર એખલાસપૂર્ણ વાતાવરણ ભારે મેદની વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થયો હતો.આ રથયાત્રામાં ૬૫ વાહનો અને ૫૨ આકર્ષક ફલોટસ સાથે ડી.જે બેન્ડ અને જુદી જુદી ઇવેન્ટના આકર્ષણ વચ્ચે લોકોએ આસ્થાપૂર્વક રથયાત્રાના દર્શન કર્યા હતા.
ગઢડાની પરંપરાગત ૩૩ મી રથયાત્રાનું અષાઢી બીજે બપોરે સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં પૂજન આરતી અને હાથ વડે રથ ખેંચી પરંપરાગત રૃટ ઉપર પ્રસ્થાન કરાયું હતું. ખાસ કરીને છત્રપતિ સંભાજી, સમુદ્ર મંથન, શિવ તાંડવ સ્તોત્રમ, લક્ષ્મણ મૂર્છા સંજીવની, શીતળા માતા, આહારનો આશરો, ભારતના મહાન રત્નો, જંકફુડ પેકેટ ફૂડ જાગૃતિ, સોશિયલ મીડિયા જાગૃતિ જેવા ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રથયાત્રા દરમિયાન સમગ્ર પંથકમાંથી લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવા માટે પોલીસ તંત્ર સહિત દરેક પ્રશાસન તંત્ર અને અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા સંકલન કરાયું હતું. આ રથયાત્રા માટે ફલોટસ, વાહનો અને ખાણી પીણીના ૨૨ સ્ટોલ સહિત અનેક કામગીરી અને વ્યવસ્થા જાળવવા માટે લોકોના સહકારથી રથયાત્રા સમિતિના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.રથયાત્રાના માર્ગમાં ઠેર-ઠેર હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. મુખ્ય રૃટ ઉપર ડ્રોન દ્વારા રથ ઉપર પુષ્પવૃષ્ટિ આકર્ષક બની હતી. દરેક રૃટ ઉપર લોકોએ સ્વયંભૂ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા ઉભી કરી હતી. ડી.જે. સાઉન્ડના તાલે યુવાનો મન મુકીને નાચ્યા હતા. રથયાત્રા સાથે શહેરની સ્વચ્છતા માટે દાદા ખાચર કોલેજના વિદ્યાર્થીઓ અને નગરપાલિકાએ સેવા આપી હતી. સો મણ ઉપરાંત ચણા મગ મઠનો પ્રસાદ વહેંચાયો હતો. રથયાત્રાના અંતે ફલોટસના વિજેતાઓને સમિતિ, પોલીસ પરિવાર અને મુસ્લિમ સમાજ દ્વારા રોકડ પુરસ્કાર અપાયો હતો.




