ગોહિલવાડના ધર્મસ્થાનકોમાં આજે રાધાષ્ટમીની ઉજવણી કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પવિત્ર નદીઓના જળથી મહાઅભિષેકવિધિ કરાશે
રાધામાધવને મનોહર વસ્ત્રો તેમજ અલંકારોથી સુશોભન અને શણગાર થશે, વિવિધ કાર્યક્રમો યોજાશે
ભાવનગર - પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર, ઠાકરદ્વારાઓ, પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ભાદરવા શુદ આઠમ આવતીકાલે શનિવારે પરંપરાગત રીતે રાધાષ્ટમી (ધરો આઠમ)ના મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરાશે.આ પ્રસંગે હોમાત્મક હવન તેમજ અન્નકુટ સહિતના કાર્યક્રમો યોજાશે.
લાખ્ખો ભાવિકોની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમાન ભગવાન શ્રીકૃષ્ણના સર્વોપરી પ્રિયતમા રાધારાણીના અવતરણ દિન રાધાષ્ટમીના પાવનકારી અવસરે ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા ધર્મસ્થાનકોમાં રાધા માધવને મનોહર વસ્ત્રો અને અલંકારોથી ચિત્તાકર્ષક સુશોભન અને શણગાર કરાશે. આ સાથે મંદિરના ગર્ભગૃહમાં તેમજ પરિસરોને પણ પુષ્પોથી શણગારાશે.આ પ્રસંગે કૃષ્ણભકતો દ્વારા રાધારાણીની વિશેષ પૂજા અર્ચના કરાશે.શ્રધ્ધાળુઓ દ્વારા રાધામાધવને પવિત્ર નદીઓના જળનો વિધિવિધાનપુર્વક અભિષેક કરાશે. આ સાથે મહાઆરતી, રાજભોગ અન્નકુટ (૫૬ ભોગ) ધરાશે. આ ઉપરાંત પાલખીયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. અત્રે એ નોંધનીય છે કે, રાધાજીને ખીર પસંદ હોય રાધાષ્ટમીના પર્વે રાધાજીને પ્રસાદમાં ખીર ધરવાનું અનન્ય મહાત્મ્ય હોય રાધાજીના મંદિરે ભાવિકોને ખાસ ખીરનો પ્રસાદ અપાશે.શહેરના વોરાબજારના મહાલક્ષ્મી માતાજીના મંદિરે રાધાષ્ટમીએ મહાલક્ષ્મીજીની મહાપુજા અને હવન તેમજ ભાવનગર શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાાતિ ભોજનની વર્ષોજુની પરંપરા હજુ પણ યથાવત છે.
ભાવનગરમાં ચતુર્ભુજ સ્વરૃપની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર
ભાવનગરમાં વાઘાવાડી રોડ પર માધવદર્શન સામે આવેલા રાધાકૃષ્ણના મંદિરની ઈ.સ.૧૮૯૩ ના મહા માસમાં ભાવેણાના મહારાજા તખ્તસિંહજી દ્વારા સ્થાપના કરાઈ હતી. જે તે સમયે તેઓએ રાજયના કુળગોરને રાજસ્થાન મોકલીને વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે રાધા-કૃષ્ણની પુરા કદની મૂર્તિઓ ઘડાવી હતી. ગુજરાતભરમાં કયાંય જોવા ન મળે તેવી ભગવાન શ્રીકૃષ્ણની ચતુર્ભુજ સ્વરૃપની આ મૂર્તિઓની સ્થાપના રાધામંદિરના સંકૂલમાં આજથી ૧૩૩ વર્ષ પુર્વે પહેલા કરાઈ હતી.




