Bhavnagar

ભાવ. જિલ્લાના પાંચ તાલુકામાં કાચું સોનુ વરસ્યું, સવા ઈંચ સુધી વરસાદ

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
બોટાદ જિલ્લામાં સાર્વત્રિક અને ભાવનગરના 5 તાલુકામાં મેઘમહેર થતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. સવા ઇંચ સુધીના વરસાદથી ગરમી અને બફારામાં લોકોને રાહત મળી. ભાવનગરમાં સતત ધીમીધાર વરસાદથી દિવસ-રાતના તાપમાનમાં માત્ર 2.4 ડિગ્રીનો તફાવત નોંધાયો. ગઢડામાં 2 ઇંચ વરસાદથી ખેડૂતોને કપાસ સહિતના વાવેતર માટે આશા બંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવ. જિલ્લાના પાંચ તાલુકામાં કાચું સોનુ વરસ્યું, સવા ઈંચ સુધી વરસાદ

બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ

ભાવનગરમાં સતત ધીમીધારના વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાનમાં માત્ર ૨.૪ ડિગ્રીનો તફાવત

ઉમરાળા/ગઢડા -  બોટાદ જિલ્લામાં સાર્વત્રિક અને ભાવનગર જિલ્લાના પાંચ તાલુકામાં કાચું સોનુ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. બન્ને જિલ્લામાં સવા ઈંચ સુધી વરસાદ થતાં ગરમી અને બફારામાં પણ લોકોએ રાહત અનુભવી હતી.

ભાવનગરમાં સવારથી જ ધીમીધારે વરસાદ શરૃ થયો હતો. બપોર સુધી સતત વરસેલા વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાનમાં માત્ર ૨.૪ ડિગ્રીનો તફાવત નોંધાયો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી લોકોને રાહત મળી હતી. ઉમરાળામાં બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સાંજ સુધીમાં સવા ઈંચ, ઘોઘામાં સવારથી બપોર સુધીમાં પોણો ઈંચ,. મહુવામાં સવારથી સાંજ સુધીમાં અર્ધો ઈંચથી વધુ અને વલ્લભીપુરમાં બપોરથી સાંજ સુધીમાં પા ઈંચથી વધુ પાણી વરસ્યું હતું.

બોટાદ જિલ્લામાં સિઝનનો પ્રથમ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ગઢડામાં બપોરે ૧૨ વાગ્યા આસપાસ વરસાદી માહોલ જામ્યા બાદ ગઢડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર પાણી વરસતા મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બે ઈંચ વરસાદના પગલે કપસા સહિતના વાવેતર માટે આશાના સંચાર બંધાતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. બોટાદમાં એક ઈંચથી વધુ, બરવાળામાં એક ઈંચ અને રાણપુરમાં અર્ધો ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.