ઉખરલા-માળનાથ રોડ પર પ્લમ્બર યુવકની હત્યા, માથામાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી
વરતેજ પંથકમાં પ્લમ્બિંગનું કામ કરતા યુવકનો શંકાસ્પદ હાલતમાં લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો
ભાવનગર - ભાવનગર તાલુકાના ઉખરલા ગામથી વિશ્વપ્રસિદ્ધ માળનાથ મંદિર તરફ જતા સુમસામ રસ્તા પરથી આજે વહેલી સવારે ૨૯ વર્ષીય પરિણિત યુવકનો નગ્ન હાલતમાં શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતદેહની બાજુમાંથી જ યુવકની મોટરસાયકલ પણ મળી આવી હતી. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સે સામે હત્યા કરી હોવાની ફરિયાદ વરતેજ પોલીસમાં નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બપોરના દોઢ વાગ્યાથી તારીખ ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ ના સવારના સાડા આઠ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર મુન્નાભાઈ હિંમતભાઈ ડાભી (ઉ.વ. ૨૯, રહે. શિવપાર્ક-૩, ઘોઘા રોડ, ભાવનગર) ના માથાના ભાગે કોઈ હથિયાર વડે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતું.મૃતક યુવકના ભાઈ દીપકભાઈ ડાભી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, મુન્નાભાઈ પ્લમ્બિંગનું કામ કરતા હતા. ગત ૨૪ ઓક્ટોબરે તેઓ કામ અર્થે ઘરથી નીકળ્યા બાદ પરત ફરેલા નહીં અને તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. દરમિયાન, તા. ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ઉખરલા-માળનાથ રોડ પર રોડની નીચે ઢાળમાંથી મુન્નાભાઈનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, અને તેની બાજુમાં જ તેમનું મોટરસાઈકલ તથા શર્ટ પડેલા હતા.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી વરતેજ પોલીસે બી.એન.એસ. કલમ ૧૦૩(૧) મુજબ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે ખસેડીને આરોપીઓની શોધખોળ શરૃ કરી છે.




