Bhavnagar

છોકરાઓના ઝઘડાનું મનદુઃખ રાખી પાડોશીનો મહિલા અને સાસુ-સસરા પર લાકડીથી હુમલો

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્યના ધોલેરા તાલુકાના પીપળી ગામે બાળકોના ઝઘડાએ હિંસક રૂપ ધારણ કર્યું. પાડોશી કીશન કુકરાણીયાએ પ્રભાબેન પર લાકડીથી હુમલો કર્યો. વચ્ચે છોડાવવા પડેલા સાસુ કમુબેનનું માથું ફોડી નાખ્યું, જ્યારે સસરા દિપુભાઈને પણ માર માર્યો. ઇજાગ્રસ્ત સાસુ-સસરાને હોસ્પિટલે ખસેડાયા છે. ધોલેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોકરાઓના ઝઘડાનું મનદુઃખ રાખી પાડોશીનો મહિલા અને સાસુ-સસરા પર લાકડીથી હુમલો

ઇજાગ્રસ્ત સાસુ સસરાને હોસ્પિટલે ખસેડાયા

બપોરે બાળકો વચ્ચે થયેલી બોલાચાલી રાત્રે હિંસક બની, વૃદ્ધ સાસુનું માથું ફોડયું

ભાવનગર -  અમદાવાદ ગ્રામ્યના ધોલેરા તાલુકાના પીપળી ગામે બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતાં પાડોશીએ મહિલા અને તેના વૃદ્ધ સાસુ-સસરા પર લાકડી વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, પીપળી ગામે રહેતા પ્રભાબેન હેમુભાઈ કુકરાણીયા (ઉં.વ. ૩૫) ગત  રાત્રે આશરે દસેક વાગ્યાના સુમારે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. તે સમયે સામે રહેતા કીશન નાનજીભાઈ કુકરાણીયાએ ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો. બપોરે તારા છોકરાએ મારા છોકરાને કેમ મારેલ તેમ કહી કીશને ખીજાઈને પ્રભાબેન પર લાકડીથી હુમલો કર્યો હતો.વચ્ચે પડેલાં સાસુ કમુબેન દિપુભાઈના માથામાં લાકડીનો ફટકો મારતાં તેમનું માથું ફૂટી ગયું હતું અને તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડયા હતા. છોડાવવા આવેલા સસરા દિપુભાઈને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. હુમલાખોર કીશન જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્ત સાસુ-સસરાને ૧૦૮ મારફતે ધોલેરા સરકારી હોસ્પિટલ અને બાદમાં ધંધૂકાની આર.એમ.એસ. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર બાદ પ્રભાબેને કીશન સામે ધોલેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), અને ૩૫૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.