Bhavnagar

ભાવનગર શહેર અને જિલ્લામાં ૨૫૦ થી વધુ સ્થળોએ નવરાત્રિ મહોત્સવ ઉજવાશે

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગોહિલવાડની બજારોમાં રોનક જામી છે. ચૂંદડી, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ અને પૂજાપો સહિતની સામગ્રીઓની ખરીદી માટે વિવિધ બજારોમાં ભીડ જોવા મળી રહી છે. શહેર અને જિલ્લામાં 250 જેટલી ગરબીઓ અને માઈમંદિરોમાં દાંડિયારાસની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર શહેર અને જિલ્લામાં ૨૫૦ થી વધુ સ્થળોએ નવરાત્રિ મહોત્સવ ઉજવાશે

ગોહિલવાડની બજારોમાં રોનક જામી,તૈયારીઓને આખરી ઓપ

ચૂંદડી, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ અને પુજાપો,સીરીઝ સહિતની સામગ્રીઓની ખરીદી માટે સ્થાનિક વિવિધ બજારોમાં જોવા મળતી ભીડ

ભાવનગર -  શકિતની ઉપાસનાના મહાપર્વ નવલા નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણત્રીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સ્થાનિક બજારોમાં આનુષાંગિક ચીજવસ્તુઓની અંતિમ તબકકાની ધૂમ ખરીદી નિકળી હોય તહેવારોની રોનક દેખાઈ રહી છે. તા.૧૧ ઓકટોબરથી ભાવનગર શહેર અને જિલ્લામાં અંદાજે ૨૫૦ આસપાસ પ્રાચીન અને અર્વાચીન ગરબી ઉપરાંત માઈમંદિરોના પ્રાંગણમાં યોજાનાર દાંડીયારાસ, ગરબા ભવાઈના આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ગોહિલવાડના સ્થાનિક પ્રાચીન અને અર્વાચીન માઈ મંદિરોમાં રંગરોગાન,કમાન,મંડપ, સુશોભન અને શણગારના કાર્યોને માઈભકતો દ્વારા આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે. ગરબાના શોખીનો નવરાત્રિને લગતી ખરીદીમાં વ્યસ્ત થઈ ગયા છે. શહેરના પીરછલ્લા શેરી,  એમ. જી.રોડ,  વોરાબજાર, સંઘેડીયા બજાર, વિકટોરીયા પાર્ક, ગોળબજાર, શેલારશા, વાઘાવાડી રોડ અને કાળીયાબીડ સહિતના અનેક સ્થળોએ ગરબા,બાળકોથી લઈને મોટેરાઓ માટે દાંડીયા, માતાજીના મંદિર, મઢ માટેના કુદરતી અને આર્ટીફિશ્યલ ફૂલહાર, માળા તેમજ ચૂંદડી, અગરબત્તી, ગુગળ, ધૂપ, શ્રીફળ, પ્રસાદ તેમજ ડેકોરેશનનની આઈટમ્સ સહિતની ચીજવસ્તુઓના બજારોમાં ચોમેર ઢગલાઓ ખડકાયા છે. જયા ગરબારસિકો દ્વારા ચણીયાચોળી અને ઓકસોડાઈઝ ઘરેણાની જયારે માઈભકતો દ્વારા અન્ય જરૃરી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. જયારે મઢ, ગરબી માટે ઈલેકટ્રોનીકસ રોશની માટે સીરીઝ સહિતની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. આ સાથે શહેરના ડબગરવાડમાં દેશી અને વિદેશી વાદ્યો (વાજીંત્રો)ની ખરીદી, સમારકામ સહિતના કામો માટે વાદ્યકારોની ભીડ જોવા મળી રહી  છે.ગરબીના આયોજકો તેમજ માઈમંદિરોના પુજારીઓ ઉપરાંત માઈભકતો સજાવટ, સુશોભનના કાર્યોને આખરી ઓપ આપી રહ્યા છે. તેમજ તમામ જ્ઞાાતિ, સમાજ અને સંસ્થાઓ દ્વારા પણ પરંપરાગત રીતે દાંડીયારાસના તબકકાવાર આયોજન થશે.