યુજી સેમ-૧ના ઘણા વિદ્યાર્થીઓના એબીસી-આઇડી જનરેટ નહીં થતા પરીક્ષા ફોર્મ ભરાતા નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પરીક્ષા ફોર્મ ભરવાને આડે બે દિવસ બાકી
આઇડી ન ધરાવતા વિદ્યાર્થીને ફોર્મ ભરવા મંજુરી આપવા અને આઇડી માટે મુદત વધારી આપવા માંગ
ભાવનગર - મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી દ્વારા યુજી સેમ-૧ની પરીક્ષાના ફોર્મ ભરવાને આડે બે દિવસ બાકી છે ત્યારે ઘણા વિદ્યાર્થીને એબીસી આઇડી મળી શક્યો ન હોય ફોર્મ ભરી શકાતા નથી જેથી હાલ આ આઇડી ન ધરાવતા વિદ્યાર્થીને ફોર્મ ભરવાની મંજુરી આપવા અને આઇડી જનરેટ કરવા મુદત આપવા માંગણી ઉઠી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં બી.એ., બી.કોમ., બી.બી.એ, બી.સી.એ., ડિપ્લોમા તેમજ અન્ય અભ્યાસક્રમોમાં ધોરણ-૧૨ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે હજારો વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હાલમાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-૧ના પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ હજુ સુધી એબીસી આઇડી બનાવી નથી અથવા ટેકનિકલ કારણઓસર તેમની એબીસી આઇડી જનરેટ થઇ શકી નથી, તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકતા નથી જેના કારણએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓમાં ચિંતા અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. એક તરફ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ યોજનાઓ, અભિયાનો ચલાવે છે. જ્યારે બીજી તરફ માત્ર એબીસી આઇડીના પ્રશ્નને કારણે પ્રથમ સત્ર પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરવાથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા હાલ પુરતા ધોરણે એબીસી આઇડી ન ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાની મંજુરી આપવા અને એબીસી આઇડી બનાવવા માટે વધારાના ૧૦ થી ૧૫ દિવસનો સમય આપવા માંગણી કરી છે.




