હું ભાવનગરનો ડોન છું કહી તરસમિયા રોડ પર યુવક પર છરીથી જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભરતનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
દાંડિયારાસની જૂની બોલાચાલીમાં સમાધાન કરવા ગયેલા યુવક પર હુમલો
ભાવનગર - ભાવનગરના તરસમિયા રોડ પર આવેલી શિવધારા સોસાયટી પાસે દાંડિયારાસની જૂની મનદુઃખની દાઝ રાખી સમાધાન માટે ગયેલા પરિવારના સભ્યો પર ચાર શખસોએ છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી વિગતો મુજબ, બુધેલ ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા તરલસિંહ સુરસંગભાઈ ડોડિયા (ઉ.વ. ૨૯) ના કાકાના દીકરા જયવીરસિંહને અગાઉ રંગોલી દાંડિયારાસ દરમિયાન ભવ્ય સોલંકી નામના યુવક સાથે બોલાચાલી થઈ હતી. ગઈકાલે બપોરના સમયે આ બાબતે સમાધાન કરવા માટે ભવ્ય સોલંકીએ તરસમિયા રોડ પર બોલાવ્યા હતા.તરલસિંહ, તેમના ભાઈ દિગ્વિજયસિંહ અને જયવીરસિંહ કાર લઈને શિવધારા સોસાયટી પાસે પહોંચતા જ ત્યાં હાજર કોણાર્ક સોલંકી, ભવ્ય સોલંકી, મોહિત મકવાણા અને યુગલ આહીર નામના શખસોએ તેમને ઘેરી લીધા હતા. હું ભાવનગરનો ડૌન છું, મેં મર્ડર કરેલું છે તેમ કહી કોણાર્ક સોલંકીએ છરી વડે તરલસિંહ પર મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો, જેમાં તરલસિંહને ડાબા ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.વચ્ચે પડેલા જયવીરસિંહને પણ છરી વાગતાં ઈજા થઈ હતી, જ્યારે અન્ય બે આરોપીઓએ લાકડાના ધોકા વડે દિગ્વિજયસિંહને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત તરલસિંહને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ભરતનગર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




