કોબલીની વાવ વિસ્તારમાં પશુપાલક ઉપર સિંહનો હુમલો ઃ લોકોમાં ભય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વનવિભાગનું સ્કેનીંગ શરૃ, લોકેશન મળ્યા બાદ પાંજરૃ ગોઠવાશે
લોહી લુહાણ હાલતમાં આધેડને રાજુલા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
રાજુલા - જાફરાબાદના કોબલીની વાવ વિસ્તારમાં પશુઓ ચરાવવા ગયેલ આધેડ પર સિંહે અચાનક હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલામાં લોહીલુહાણ થયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસનાં વિસ્તારમાં રહેતા પશુાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ કોબલીની વાવ વિસ્તારમાં શિનુભાઈ દેવાભાઈ બારૈયા પશુઓ ચરાવવા ગયા હતા. તે દરમિયાન સિંહે તેમના પર હુમલો કર્યો હતો. શિનુભાઈના ભત્રીજાના જણાવ્યા અનુસાર સિંહ પાછળથી આવ્યો હતો અને અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં આધેડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી ઘાયલ આધેડને તાત્કાલિક જાફરાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હુમલાખોર સિંહનું લોકેશન મેળવવા માટે સર્ચ ઓપરેશન અને સ્કેનિંગ શરૃ કર્યું છે. વન વિભાગની ટીમ દ્વારા આસપાસનાં વિસ્તારમાં સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સિંહનું ચોક્કસ લોકેશન મળી આવ્યા બાદ તેને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




