Bhavnagar

કેરાળા ગામમાં માત્ર રૃ.૫૦૦ની લેતી દેતીમાં ભાણેજ પર મામાનો હુમલો

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
કેરાળા ગામે રૂ.500ની ઉઘરાણી મુદ્દે કૌટુંબિક મામાએ ભાણેજ પર જીવલેણ હુમલો કર્યો. રસિકભાઈ ચાવડાએ મામા વાલાભાઈ પરમાર પાસેથી ઉછીના લીધેલા પૈસા બે દિવસમાં ચૂકવવાની વાત કરતા મામા ઉશ્કેરાયા. લાકડાના ધોકા વડે છાતી, ખંભા અને નાક પર હુમલો કર્યો, જેમાં રસિકભાઈને ઇજા થઈ. ગઢડા પોલીસે મામા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેરાળા ગામમાં માત્ર રૃ.૫૦૦ની લેતી દેતીમાં ભાણેજ પર મામાનો હુમલો

ગામમાં ખોડીયારમાના ઓટા પાસે બનાવ બન્યો

ઉછીના લીધેલા નાણાં પરત ચૂકવવામાં બે દિવસનો સમય માંગતા ઉશ્કેરાયેલા મામાએ જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર - બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામમાં નજીવી રકમની ઉઘરાણી બાબતે કૌટુંબિક મામાએ પોતાના જ સગા ભાણેજ પર લાકડાના ધોકા વડે હિંસક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામે રહેતા રસિકભાઈ હકાભાઈ ચાવડાએ અઠવાડિયા પહેલા તેમના કૌટુંબિક મામા વાલા આલાભાઈ પરમાર પાસેથી રૃ.૫૦૦ હાથ ઉછીના લીધા હતા. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે રસિકભાઈ ગામમાં ખોડીયારમાના ઓટા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મામા વાલાએ તેમને રોકીને પોતાના નાણાં તાત્કાલિક પરત માંગ્યા હતા. રસિકભાઈએ હાલ પૈસા ન હોવાનું જણાવી બે દિવસમાં ચૂકવવાની વાત કરતા જ મામા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી બાજુમાં પડેલ લાકડાના ધોકા વડે રસિકભાઈના છાતી અને ડાબા ખંભા પર ઘા ઝીંકી દીધા હતા, તેમજ નાક પર ગંભીર વાર કરતા લોહી વહેવા લાગ્યું હતું. આસપાસના સંબંધીઓએ વચ્ચે પડી રસિકભાઈનો જીવ બચાવ્યો હતો. જતા-જતા મામાએ નાણાં ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે રસિકભાઇએ મામા વિરૃધ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.