સિહોરમાં રથયાત્રાના માર્ગ પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઉચ્ચ કક્ષાએથી સુચના મળતા તંત્ર દ્વારા કાર્યવાહી
લાખો રૃપીયાની જમીન ખુલ્લી કરાતા દબાણકર્તાઓમાં વ્યાપેલ ફફડાટ, ઝુંબેશ હજી શરૃ રહેશે
સિહોર - અષાઢી બીજના પર્વે સિહોર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રથયાત્રાના માર્ગ પરના ગેરકાયદેસર દબાણો તાકીદે દૂર કરવાની ઉચ્ચ કક્ષાએથી સુચના મળતાની સાથે સિહોર નગરપાલિકા દ્વારા બુધવારે મીની ડીમોલીશન કરી લાખો રૃપીયાની જમીન ખુલ્લી કરાવવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ.
સિહોર નગરપાલિકાની ઓફિસની પાછળના ભાગે કબ્રસ્તાનની પાછળની સાઈડ પર ગેરકાયદેસર બાંધકામો કરીને મકાનો તેમજ ગેરેજ જેવા બાંધકામો કરી નાખવામાં આવ્યા હતા. આ દબાણો હટાવવા માટેનું કોઈ તંત્ર નામ જ લેતું ન હતુ. દરમિયાન આવતીકાલ તા. ૧૬ ને ગુરુવારે અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે આ રોડ પરથી પસાર થવાની હોવાથી ઉચ્ચ કક્ષાએથી આ રોડ પરનું ડિમોલીશન કરવાની સૂચના આવતાની સાથે જ સિહોર પાલિકાના ચિફ ઓફિસર શુકલ દ્વારા પોલીસ મથકના પી.આઈ.ગઢવીની દેખરેખ નીચે પોલીસ અને પાલિકાના સ્ટાફે જીસીબી જેવા વાહનો સાથે બુધવારે સ્થળ પર મીની ડિમોલીશન કરીને લાખો રૃપીયાની જમીન ખુલ્લી કરાઈ છે અને હજી બાકી રહેતા ગેરકાયદેસર દબાણકર્તાઓને ૧૦ દિવસની નોટીસ આપી દબાણમાંથી તેમનો માલસામાન લઈ લેવા માટે લેખિત નોટીસ આપવામાં આવશે ત્યારબાદ બાકીનું વધુ ડિમોલીશન કરાશે તેવી તાકિદ કરાઈ હતી.




