તળાજાના રેલીયા ગામે બાઇક સાઇડમાં ચલાવવા બાબતે યુવક પર ચાર ઈસમનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુવક ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ
ઇકો ગાડી દબાવવાની ના પાડતા ચાર શખ્સે લોખંડના પાઇપ અને ધોકાથી યુવકને ઝૂડી નાખ્યો
ભાવનગર - ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલીયા (ગોપનાથ) ગામે બાઇક સાઇડમાં ચલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં ચાર શખ્સોએ એક યુવક પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, રેલીયા ગામે રહેતા મેહુલભાઈ જીણાભાઈ મકવાણા (ઉં.વ. ૨૭) ગત રવિવારે પોતાના બાઇક પર માતાજીના મઢે પ્રસાદી લેવા જઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવતી ઇકો ગાડીના ચાલક વિપુલ મનાભાઈ ભાલીયાએ બાઇકની સાઇડમાં ગાડી દબાવતા મેહુલભાઈએ વાહન યોગ્ય રીતે ચલાવવા કહ્યું હતું.આ બાબતનું મનદુઃખ રાખી રામાપીરના મંદિર પાસે અતુલ ભાલીયા, અજય ભાલીયા, વિપુલ ભાલીયા અને ગોપાલ મકવાણા નામના ચાર શખ્સોએ મેહુલભાઈને ઘેરી લીધા હતા. હુમલાખોરોએ તારું મોટરસાઇકલ કેમ સાઇડમાં ચલાવતો નથી તેમ કહી ખીજાઈ જઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો.આ હુમલામાં મેહુલભાઈને માથાના ભાગે, પીઠ પર મુંઢ ઇજાઓ થઈ હતી તેમજ ડાબા હાથની આંગળીમાં ફેક્ચર થયું હતું. દેકારો થતાં પરિજનો આવી પહોંચતા ચારેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. ઘાયલ યુવકને વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




