Bhavnagar

નવાપરામાં સિમેન્ટ-રેતીની થેલીઓની પૂછપરછ મામલે પિતા-પુત્ર પર ચાર શખ્સનો હુમલો

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના નવાપરા વિસ્તારમાં સિમેન્ટ-રેતીની થેલીઓની પૂછપરછ બાબતે 4 શખ્સોએ હાર્ટ પેશન્ટ 65 વર્ષીય ઇકબાલભાઈ મહીડા અને તેમના પિતાને ઢીકાપાટુનો માર માર્યો. આરોપીઓએ ઇકબાલભાઈની છાતીમાં મુક્કા માર્યા હતા. 108 દ્વારા તેમને સર ટી. હોસ્પિટલ ખસેડાયા. નીલમબાગ પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવાપરામાં સિમેન્ટ-રેતીની થેલીઓની પૂછપરછ મામલે પિતા-પુત્ર પર ચાર શખ્સનો હુમલો

નિલમબાગ પોલીસમાં ૪ સામે ગુનો દાખલ

હાર્ટ પેશન્ટ આધેડની છાતીમાં મુક્કા માર્યા, ૧૦૮ મારફતે સર ટી. હોસ્પિટલ ખસેડાયા, જાનથી મારી નાંખવાની ધમકી આપી

ભાવનગર - ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગરાસીયા બોડીંગ સામે આવેલી ઊંડી ખડકી પાસે સિમેન્ટ, રેતી અને પણાની થેલીઓની પૂછપરછ જેવી સામાન્ય બાબતે ગિન્નાઈ જઈને ચાર શખ્સોએ પરિવાર પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, નવાપરામાં રહેતા અને ક્લિનિકમાં ખાનગી નોકરી કરતા ૬૫ વર્ષીય ઇકબાલભાઈ જમાલભાઈ મહીડાના નાના ભાઈ સાજીદભાઈના ઘરે લાદી ફિટ કરવાનું કામ શરૃ કરવાનું હતું. આ માટે ઘર પાસે મુકેલી સિમેન્ટ, રેતી અને પણાની થેલીઓ ન મળતાં તેઓ આજુબાજુમાં પૂછપરછ કરી રહ્યા હતા. દરમિયાન, પડોશમાં રહેતા ઈલીયાસ જુસબભાઈ ડેરૈયાને આ અંગે પૂછતાં તેઓ નારાજ થયા હતા.ગત ૪ ઓક્ટોબરના રોજ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં ઈલીયાસ ડેરૈયા, ઈમરાન ઈસુબભાઈ ડેરૈયા, યુનુસ યાકુબભાઈ ગુંદીગરા અને શકીલ યુનુસભાઈ ગુંદીગરાએ એકસંપ થઈ સાજીદભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપવાનું શરૃ કર્યું હતું.ઇકબાલભાઈ વચ્ચે પડતાં ચારેય શખ્સોએ ખીજાઈને તેમને પણ ઢીકાપાટુ વડે માર માર્યો હતો. ઇકબાલભાઈની વર્ષ ૨૦૧૯માં બાયપાસ સર્જરી થઈ હોવાની જાણ હોવા છતાં, આરોપીઓએ તેમની છાતીના ડાબા ભાગે મુક્કા માર્યા હતા. આ બોલાચાલી છોડાવવા આવેલા તેમના પિતા જમાલભાઈને પણ રોડ પર પછાડી દઈ માર મારવામાં આવ્યો હતો.બનાવ અંગે પડોશના રજાકભાઈ મહીડા અને નાના ભાઈએ વચ્ચે પડીને બંનેને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતી વખતે હુમલાખોરોએ હવે પછી જો અમારું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા ઇકબાલભાઈને ૧૦૮ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ અંગે ઇકબાલભાઈ મહીડાની ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.