Bhavnagar

પાલિતાણામાં સસ્પેક્ટેડ સિંહને પકડવા વન વિભાગની સઘન કામગીરી

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
પાલિતાણામાં માલધારી પર સિંહના હુમલા બાદ વન વિભાગ સક્રિય થયું છે. 25થી વધુ અધિકારી-કર્મચારીઓની ટીમો બનાવી, શેત્રુંજી ડુંગર અનામત જંગલ તરફ ભાગેલા સિંહને પકડવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. ટ્રેન્કિવલાઇઝર ગન, ટ્રેપ કેજ જેવા સાધનો સાથે અનુભવી ટીમ ગરાજીયા, જીવાપર, સોનપરી અને થોરાળી ગામોના રેવન્યુ વિસ્તારમાં સિંહની હિલચાલ પર નજર રાખી રહી છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલિતાણામાં સસ્પેક્ટેડ સિંહને પકડવા વન વિભાગની સઘન કામગીરી

છેલ્લે શેત્રુંજી ડુંગર અનામત જંગલ તરફ લોકેશન મળ્યું હતું

તંત્ર દ્વારા ૨૫થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ બનાવી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું

ભાવનગર -  પાલિતાણામાં સિંહે માલધારી યુવાન પર હુમલો કર્યાંની ઘટના બાદ વન તંત્ર પણ આ નાસી છૂટેલા સિંહને પકડી પાડવા પ્રયત્નશિલ બન્યું છે. તંત્ર દ્વારા વિવિધ ૨૫થી વધુ અધિકારીની ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે.

પાલિતાણા વિસ્તારમાં સસ્પેક્ટેડ સિંહની મૂવમેન્ટને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા ૨૫થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાર્યવાહીમાં રેપિડ એક્શન ટીમ પાલિતાણા, રેસ્ક્યુ ટીમ પાલિતાણા, પાલિતાણા વન્યજીવ રેન્જ સ્ટાફ તેમજ વેટરનરી ડોક્ટરની વિશેષ ટીમ સતત કાર્યરત છે. સિંહને સુરક્ષિત રીતે પકડવા માટે ટ્રેન્કિવલાઇઝર ગન, ટ્રેપ કેજ, રિંગ કેજ અને ભીડો કેજ સહિતના જરૃરી સાધનો સાથે અનુભવી રેસ્ક્યુ ટ્રેકર્સની ટીમ સતત વિસ્તારનું સ્કેનિંગ કરી રહી છે. વન વિભાગના જણાવ્યા મુજબ સિંહ સોનપરી ગામના રેવન્યુ ડુંગર વિસ્તારમાંથી નીકળી ગરાજીયા ગામના રેવન્યુ વિસ્તાર થઇ શેત્રુંજી ડુંગર અનામત જંગલ તરફ જવાના માર્ગ પર જોવા મળ્યો હતો. હાલમાં ગરાજીયા, જીવાપર, સોનપરી અને થોરાળી ગામોના રેવન્યુ વિસ્તારમાં સિંહની મૂવમેન્ટ નોંધાઇ રહી છે. વન વિભાગ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા, સાવચેત રહેવા અને સિંહ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

રેસ્ક્યુ ટીમની કામગીરીમાં શું શું સામેલ હોય છે ?

વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ દરમિયાન માત્ર પ્રાણીને પકડવાની કામગીરી જ નહીં, પરંતુ અનેક પ્રકારની ફિલ્ડ લેવલની જવાબદારીઓ નિભાવવામાં આવે છે. રેસ્ક્યુ ટીમ દ્વારા ઘાયલ અથવા બીમાર વન્ય પ્રાણીઓની શોધખોળ, અવલોકન અને સ્થળ પર સતત મોનિટરીંગ કરવામાં આવે છે. જરૃરિયાત મુજબ વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર, ટ્રેન્ક્વિલાઇઝ (બેભાન) કરવાની પ્રક્રિયા અને આરોગ્ય તપાસ કરવામાં આવે છે. રેન્જ સ્ટાફ અને રેસ્ક્યુ ટીમ દ્વારા વિસ્તારનું સ્કેનિંગ, પગલાના નિશાન, મારણ કેસની તપાસ, વન્ય પ્રાણીઓની હિલચાલનું રોજિંદુ અવલોકન તથા જરૃરી માહિતીનું સંકલન કરવામાં આવે છે.