બોલેરો ગાડી પરત માગતાં ગારીયાધારમાં યુવક પર પાઇપથી પાંચ શખ્સનો હુમલા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગારીયાધાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીે
ભાવનગર - જૂની વાહન લે-વેચ અને લોનના હપ્તાના ડખ્ખામાં હુમલો કરાયો
ગારીયાધારના પચ્છેગામ રોડ પર આવેલી ગોકુળ રસની દુકાન નજીક પોતાની બોલેરો પીકઅપ ગાડી પરત માગવા બાબતે એક યુવક પર પ્લાસ્ટિકની પાઇપ વડે હુમલો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે .આ અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, નાના ખુટવડા ગામના રહીશ અને ડ્રાઇવિંગનો ધંધો કરતા દિલીપભાઈ કુરજીભાઇ ભાલીયા (ઉ.વ. ૨૫) નામના યુવકે ગારીયાધાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આશરે એક વર્ષ પહેલા મેહુલ જીવાભાઇ ભમ્મર (રહે. ગારીયાધાર) નામના શખ્સે અન્ય વ્યક્તિ પાસેથી બોલેરો ગાડી ખરીદી હતી અને તે આગળ વેચી દીધી હતી. જોકે, આગળ ગાડી લેનારે લોનના હપ્તા ન ભરતાં ડખ્ખો ઊભો થયો હતો. આ વ્યવહારમાં દિલીપભાઈ વચગાળામાં હોવાથી, મેહુલભાઈએ દિલીપભાઈ પાસે તેમની બોલેરો પીકઅપ ગાડી (જીજે-૩૩-ટી-૩૨૮૭) માગી હતી, જે દિલીપભાઈએ આપી હતી.ગત તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યે દિલીપભાઈ તેમના મિત્રો સાથે ગોકુળ રસની દુકાને ઉભા હતા, ત્યારે દિલીપભાઈએ પોતાની ગાડી મેહુલભાઈ પાસે પરત માગી હતી. ગાડી પરત માગતાં અદાવત રાખી મેહુલએ પ્રથમ ગાળો આપી હતી અને ત્યારબાદ બાઇકમાંથી પ્લાસ્ટિકની પાઇપ કાઢી દિલીપભાઈના ડાબા હાથની કોણી પર ફટકારી દેતાં મુઢ ઇજા થઈ હતી.આ બાદ મેહુલના પિતા જીવાભાઈ ભમ્મર, ભરત જીવાભાઇ ભમ્મર તથા અન્ય બે અજાણ્યા શખ્સો બાઇક પર આવી પહોંચ્યા હતા અને દિલીપભાઈને જ્ઞાાતિ પ્રત્યે અપશબ્દો બોલી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના સ્થળે ૧૧૨ પોલીસ વાહન આવી જતાં તમામ આરોપીઓ નાસી છૂટયા હતા.ગારીયાધાર પોલીસે દિલીપભાઈની ફરિયાદના આધારે મેહુલ ભમ્મર, જીવા ભમ્મર, ભરત ભમ્મર તથા બે અજાણ્યા શખ્સો સામે બીએનએસની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




