Bhavnagar

અગાઉના મનદુઃખમાં યુવક પર પાઇપ, છરી વડે પાંચ શખ્સનો હિચકારો હુમલો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં જમવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી, તિલકનગર પાસે 5 શખ્સોએ યુવક નીતેશભાઈ રાઠોડ પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો. વિકાસ, આકાશ, અમૃત, મેહુલ અને હકો નામના શખ્સોએ ઘેરીને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. ઘોઘારોડ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અગાઉના મનદુઃખમાં યુવક પર પાઇપ, છરી વડે પાંચ શખ્સનો હિચકારો હુમલો

ઘોઘારોડ પોલીસમાં પાંચ શખ્સ સામે ફરિયાદ

જમવા બાબતે થયેલી બોલાચાલીની દાજ રાખી ૫ શખ્સોએ યુવકને ઘેરી જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર - ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તિલકનગર આગણવાડી પાસે જૂની અદાવતમાં યુવક પર લોખંડના પાઇપ અને છરી વડે પાંચ શખ્સે જાનલેવા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મળતી માહિતી મુજબ, તિલકનગર મહાવીરનગર ખાતે નીતેશભાઈ બિપીનભાઈ રાઠોડ અને વિકાસ, આકાશ, અમૃત, મેહુલ અને હકો વચ્ચે અગાઉ મિત્રતા હતી અને થોડા દિવસ પહેલાં જમવા બેસવા બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતની દાજ રાખીને ગત શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ વિકાસ નીતેશભાઈને પોતાની મોટરસાયકલ પર બેસાડી તિલકનગર આગણવાડી પાસે લઈ ગયો હતો. ત્યાં અગાઉથી હાજર અન્ય આકાશ, અમૃત, મેહુલ અને હકોએ નીતેશભાઈ સાથે માથાકૂટ કરી ગાળો ભાંડી હતી. ઉશ્કેરાયેલા વિકાસે લોખંડના પાઇપ વડે નીતેશભાઈની પીઠ પર ઘા માર્યો હતો, જ્યારે મેહુલ અને અમૃતે છરી વડે કપાળ અને ડાબા ગાલના ભાગે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. આકાશ નામના નિલેશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી તમામ શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. ત્યારબાદ હકો ત્યાં આવ્યો હતો. અને 'હવે પછી હોશિયારી કરીશ તો જીવતો નહીં રહેવા દઈએ' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ૧૦૮ મારફતે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે નિલેશભાઈએ ઘોઘારોડ પોલીસ મથકમાં પાંચ શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.