વૃધ્ધ મહિલાને મોઢા પર ઢીંકા મારી ૧.૨૫ લાખના દાગીનાની સરેઆમ લૂંટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૪ કલાકમાં બીજી લૂંટથી ભાવનગર થરથર્યું
કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠયા, અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી વૃદ્ધાનું મોઢું દબાવી માર મારી લૂંટ ચલાવી
ભાવનગર - ભાવનગરમાં ક્રાઈમ રેટ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તળાજા તાલુકાના ત્રાપજ ગામે મોડી રાત્રે એક વૃદ્ધાને નિશાન બનાવી દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ લૂંટની આ બીજી ઘટના સામે આવતાં ત્રાપજ અને આસપાસના વિસ્તારમાં ભારે સન્નાટો અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે.
હજુ તો મહુવાના નાના આસરણા ગામે ઘરમાં સૂતેલા વૃદ્ધ દંપતીને માર મારી વૃદ્ધાના કાનમાંથી સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હોવાની ઘટના વિસરાઈ નથી તેવામાં તળાજા તાલુકાના ત્રાપજ ગામે રહેતા ૭૫ વર્ષિય દવલબેન પ્રેમજીભાઈ કાપડિયા તા.૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાત્રે અઢી વાગ્યાના સુમારે પોતાના ઘરમાં એકલા ઊંઘી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે દવલબેનનું મોં દાબી એક હાથે મોં પર ગંભીર ઢીંકા-મુક્કા મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલાખોર અજાણ્યા શખ્સે વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચાડી તેમના કાનમાં પહેરેલા ૪ તોલા વજનના સોનાના રેવલા (જેની કિંમત આશરે રૃ. ૧,૨૫,૦૦૦ થાય છે) બળજબરીપૂર્વક ખેંચી લીધા હતા. લૂંટારૃ સોનાના દાગીના આંચકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ (૧૦૮ મારફતે) ખસેડવામાં આવ્યા છે. આ મામલે અલંગ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૯(૬), ૩૧૧, ૩૩૧(૭), ૧૧૭(૨), ૧૧૫(૨) હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં ટૂંકા જ સમયમાં લૂંટની બે-બે ઘટનાઓ બનતાં સ્થાનિક નાગરિકોમાં પોલીસની કામગીરી અને કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ ઊભો થયો છે.




