સીઆરએસ પોર્ટલ પાંચ દિવસથી ડચકા ખાય છે, જન્મ-મરણના દાખલા કાઢવામાં મૂશ્કેલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર જિલ્લા પંચાયતમાં એપ્રુવલની રપ૦૦થી વધુ અરજી પેન્ડીંગ
મલ્ટીપલ લોગીન બંધ, સ્ટાફની અછત, જુના દાખલા કોઈ ચલાવતુ ન હોવાથી લોકો ત્રાહિમામ ઃ મહાપાલિકાની કચેરીએ દાખલા કઢાવવા લોકોની કતાર
ભાવનગર - સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીનો આગ્રહ રાખવામાં આવે છે પરંતુ ઓનલાઈન પોર્ટલ ટેકનીકલ ખામીને કારણે ચાલતા નથી તેથી સમયસર કામગીરી થતી નથી, આવુ જ હાલ જન્મ-મરણના દાખલા કઢાવવાની કામગીરીમાં જોવા મળી રહ્યુ છે. સીઆરએસ પોર્ટલ કોઈ કારણસર ડચકા ખાય છે તેથી ભાવનગર શહેર-જિલ્લામાં જન્મ-મરણના દાખલાની કામગીરી ઝડપથી થતી નથી. જન્મ-મરણના દાખલા સમયસર નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં સીઆરએસ પોર્ટલ પરથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી થાય છે. સીઆરએસ પોર્ટલ છેલ્લા પાંચ દિવસથી ટેકનીકલ ખાલીને કારણે બંધ થઈ જાય છે તેથી જન્મ-મરણના દાખલા કાઢવામાં મૂશ્કેલી પડી રહી છે. આશરે છેલ્લા દોઢ માસથી સીઆરએસ પોર્ટલ પર મલ્ટીપલ લોગીન બંધ થવાથી કામગીરી ઝડપી થઈ શકતી નથી તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને એપ્રુવલની સત્તા આપવામાં આવી છે. જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા પ્રમાણપત્રની ચકાસણી કર્યા બાદ એપ્રુવલ આપે છે. પોર્ટલ ડચકા ખાતુ હોવાથી જિલ્લા પંચાયતમાં હાલ આશરે રપ૦૦ અરજી પેન્ડીંગ છે. પોર્ટલ ચાલે તો દરરોજ આશરે રરપ જન્મ-મરણના દાખલાને એપ્રુવલ આપવામાં આવે છે પરંતુ પોર્ટલ ધીમુ ચાલતુ હોવાથી માંડ ૩૦-૪૦ દાખલા નિકળતા હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.
સરકારે જિલ્લા પંચાયતને એપ્રુવલની કામગીરી આપી છે પરંતુ મલ્ટીપલ લોગીન બંધ હોવાથી એક કર્મચારીથી કામગીરી કરવી પડે છે તેથી મલ્ટીપલ લોગીન આપવાની જરૃર છે તેમજ જિલ્લા પંચાયતમાં સ્ટાફની અછત છે ત્યારે સ્ટાફ આપવો જોઈએ તેમ જણાય રહ્યુ છે. સરકારે આયોજન વગર જ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને જવાબદારી આપતા હાલ કર્મચારીઓ પણ પરેશાન હોવાનુ ચર્ચાય રહ્યુ છે. જન્મ-મરણના દાખલા સમયસર નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલ શાળા, આધારકાર્ડ સહિતની જગ્યાએ જન્મ-મરણના નવા દાખલા માંગવામાં આવે છે તેથી લોકોની મૂશ્કેલી વધી છે. નવા દાખલા ન મળે ત્યાં સુધી શાળા સહિતની જગ્યાએ જુના દાખલા ચલાવવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. મહાપાલિકાએ કચેરીએ પણ જન્મ-મરણના દાખલા કઢાવવા લોકો કતાર જોવા મળતી હોય છે ત્યારે આ બાબતે સરકારે યોગ્ય પગલા લેવા જરૃરી છે.
જન્મ-મરણના દાખલા માટે લોકો હેરાન થાય છે છતાં નેતાઓ મૌન
ભાવનગર સહિત રાજ્યભરમાં જન્મ-મરણના દાખલા માટે લોકો હેરાન થાય છે છતાં ભાજપના નેતાઓ મૌન છે. જન્મ-મરણના દાખલા કઢાવવામાં જે પ્રશ્નો આવી રહ્યા છે તેને હલ કરવા માટે ધારાસભ્યો, સાંસદોએ સરકારને રજૂઆત કરવી જોઈએ. સરકાર દ્વારા હાલ યોગ્ય પગલા લેવામાં આવતા નથી, જેના કારણે જન્મ-મરણના દાખલા ઝડપથી નિકળતા નથી અને લોકો પરેશાન થઈ રહ્યા છે.




