Bhavnagar

ધંધુકાની બજારમાં ભંગાર સાથે બાયોમેડિકલ વેસ્ટ મોટી માત્રામાં મળી આવતા ચકચાર

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
ધંધુકા શહેરમાં બજાર વિસ્તારમાં ભંગારની લારીમાંથી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ મળી આવતા ચકચાર મચી છે. સેલાઇન બોટલો, IV સેટ જેવી બાયોમેડિકલ સામગ્રી ખુલ્લેઆમ જોવા મળતાં જાહેર આરોગ્ય સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નિયમોની ઐસી-તૈસી કરનારા સામે રોષ અને તપાસની માંગ ઉઠી છે. આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને GPCB દ્વારા સંયુક્ત તપાસની જરૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધંધુકાની બજારમાં ભંગાર સાથે બાયોમેડિકલ વેસ્ટ મોટી માત્રામાં મળી આવતા ચકચાર

જન આરોગ્ય સાથે ગંભીર ચેડા

બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે ઘડાયેલ નિયમોની ઐસી-તૈસી કરનારા સામે રોષ, તપાસની માંગ

ધંધુકા - ધંધુકા શહેરની બજાર વિસ્તારમાં ભંગારની લારીમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ સામાન જોવા મળતાં ચકચાર મચી છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કડક નિયમો હોવા છતાં આવી સામગ્રી સામાન્ય ભંગાર સાથે જોવા મળતાં સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.

ધંધુકા શહેરની મુખ્ય બજાર વિસ્તારમાં ભંગાર એકત્રિત કરતી લારીમાં સેલાઇન બોટલો, આઈવી સેટ, ટયુબિંગ અને અન્ય મેડિકલ ઉપયોગમાં આવતી દેખાતી પ્લાસ્ટિક સામગ્રી ખુલ્લેઆમ જોવા મળતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાના ફોટા સામે આવ્યા બાદ જાહેર આરોગ્ય અને બાયોમેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ અંગે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે હોસ્પિટલો, ખાનગી ક્લિનિકો અને આરોગ્ય સંસ્થાઓમાંથી નીકળતો બાયોમેડિકલ વેસ્ટ અત્યંત સંવેદનશીલ ગણાય છે. તેનો નિકાલ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો મુજબ અધિકૃત એજન્સી દ્વારા જ કરવામાં આવવાનો હોય છે. જોકે, ભંગારની લારીમાં આવી સામગ્રી જોવા મળતાં એ આશંકા વ્યક્ત થઈ રહી છે કે નિયમોની અવગણના થઈ રહી છે. જો તપાસમાં સામે આવે કે આ સામગ્રી ખરેખર મેડિકલ સંસ્થાઓમાંથી ભંગારમાં વેચવામાં આવી છે, તો તે માત્ર નિયમોનો ભંગ જ નહીં પરંતુ જાહેર આરોગ્ય સાથે ગંભીર બેદરકારી પણ ગણાશે. આવા વેસ્ટનો ગેરરીતે નિકાલ થવાથી ચેપજન્ય રોગો ફેલાવાનો ભય રહે છે. ઉપરાંત આવા પ્લાસ્ટિકનો ગેરકાયદેસર પુનઃઉપયોગ થાય તો તે લોકોના સ્વાસ્થ્ય માટે વધુ જોખમી બની શકે છે. આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) સંયુક્ત તપાસ હાથ ધરી સમગ્ર હકીકત બહાર લાવે તેવી માંગ ઉઠી છે.