Bhavnagar

નવાગામ નજીક અકસ્માતમાં સાળા અને બનેવીના કમકમાટીભર્યા મોત

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
ભાવનગર નજીક નવાગામ પાસે બલેનો કાર ડિવાઈડર કૂદી ઝાડ સાથે અથડાઈને સ્કૂટી પર ઊંધી વળી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં કરચલિયા પરાના સુનિલભાઈ ગોહેલ (36) અને વિજયભાઈ મેર (35) નામના બે યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. કારમાં સવાર લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવાગામ નજીક અકસ્માતમાં સાળા અને બનેવીના કમકમાટીભર્યા મોત

ગોઝારી ઘટના ઃ ડિવાઈડર કૂદી ઝાડ સાથે અથડાયા બાદ કાર સ્કૂટી ઉપર કાળ બનીને ઊંધી વળી

કરચલિયા પરાના યુવાનો કાળનો કોળિયો બનતા પરિવારમાં અરેરાટી સાથે શોક ઃ કારમાં સવાર લોકોને પણ નાની-મોટી ઈજા

ભાવનગર -  'ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ?' આ ઉક્તિને યથાર્થ કરતી ઘટના ભાવનગર નજીકના નવાગામ પાસે બની છે. શહેરના ક.પરામાં રહેતા સાળો-બનેવી સ્કૂટી લઈને જઈ રહ્યા હતા. ત્યારે જાણે રસ્તામાં યમદૂતો રાહ જોઈને જ બેઠા હોય તેમ કાળ બનીને આવી રહેલી બલેનોના ચાલકે ડિવાઈડર કૂદાવી ઝાડ સાથે અથડાવ્યા બાદ કાર સ્કૂટી ઉપર ઊંધી વાળી દીધી હતી. આ ગોઝારી ઘટનામાં નિર્દોષ બન્ને યુવાનના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.

ઉપલબ્ધ પ્રાથમિક વિગતો અનુસાર શહેરના કરચલિયા પરા, ચાંદાજીની ખડકીમાં રહેતા સુનિલભાઈ રમણિકભાઈ ગોહેલ (ઉ.વ.૩૬) અને તેમના સગા સાળા વિજયભાઈ કાંતિભાઈ મેર (ઉ.વ.૩૫, રહે, ઠાકરદ્વારા સત્સંગ હોલ સામે, ક.પરા) આજે શુક્રવારે બપોરના સમયે સ્કૂટી નં.જીજે.૦૪.ઈડી.૮૩૪૨ લઈને નવાગામ (ચીરોડા) પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે મોતની સ્પીડે આવી રહેલ બલેનો કાર નં.જીજે.૩૬.એલ.૩૦૩૦ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સીધી ઝાડ સાથે અથડાઈ હતી અને બાદમાં સ્કૂટી ઊંધી વળી જતાં સુનિલભાઈ અને વિજયભાઈને ગંભીર ઈજા થતાં બન્નેના કરૃણ મોત થયા હતા. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે, સુનિલભાઈને જમણો હાથ બગલના ભાગેથી છુટ્ટો પડી ગયો હતો.

આશાસ્પદ સાળા-બનેવી કાળનો કોળિયો બનતા પરિવાર, સગા-સબંધી અને મિત્રોમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સર ટી.હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ ઘટનામાં કારમાં સવાર લોકોને પણ નાની-મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવને લઈ વરતેજ પોલીસના સ્ટાફે હોસ્પિટલ દોડી આવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

યુવાન પુત્ર-પતિના મોતનો વ્રજઘાત ઃ સાસુ-વહુને હોસ્પિટલ ખસેડવા પડયાં

નવાગામ (ચીરોડા) પાસે બનેલી અકસ્માતની હૃદયદ્વાવક ઘટનામાં પરિવારના આધાર સ્થંભ યુવાનોએ જીવ ખોયો છે. હજુ બપોરે જ દીકરીને રમાડીને કામ સબબ ગયેલા પિતા વિજયભાઈ મેરના મોતના સમાચાર મળતા તેમના પરિવાર ઉપર કુદરતનો ક્રુર વ્રજઘાત થયો હતો. વિજયભાઈના માતા અને પત્ની આઘાતમાં સરી પડતા બન્નેની તબિયત લથડી હતી અને પ્રથમ વિજયભાઈના માતાને ૧૦૮ મારફતે અને ત્યારબાદ વિજયભાઈના પત્નીને સર ટી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર અપાયા બાદ સાસુ-વહુને રજા આપવામાં આવી હતી.

બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

કરૃણ અકસ્માતની ઘટનામાં બે આશાસ્પદ યુવાનના મૃત્યુ થયાની ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક વિજયભાઈને એક માસૂમ દીકરી અને સુનિલભાઈને એક નાની ઉંમરનો દિકરો છે. બન્ને માસૂમ બાળકોએ હજુ સ્કૂલમાં પણ પાપા.. પગલી નથી માંડી ત્યાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.