જૂની અદાવતનો લોહિયાળ બદલો, યુવક પર તલવારના ઘા ઝીંકાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇજાગ્રસ્ત યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ
૬ વર્ષ પહેલાં મામાની આંગળીઓ કાપી નાખનાર શખ્સે ભાણેજને લીધો નિશાના પર
ભાવનગર - ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં જૂની અદાવત રાખીને એક યુવક પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મામા સાથે રાખેલા સંબંધોની દાઝ રાખીને સ્થાનિક શખ્સે આ લોહિયાળ ખેલ ખેલ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, શહેરના વડવા તલાવડી વિસ્તારના જોગીની ડેરી પાસે રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ ગોવિંદભાઈ પરમાર પર આ હુમલો થયો છે. આજથી આશરે ૬ વર્ષ પહેલાં સંજયભાઈના મામા મહેન્દ્રભાઈ સોલંકી સાથે નિરજ સોલંકી, પિન્ટુ સોલંકી અને જીતુ સોલંકીને મોટો ઝઘડો થયો હતો. એ સમયે તમામ શખ્સએ તલવાર વડે હુમલો કરીને મામા મહેન્દ્રભાઈની આંગળીઓ કાપી નાખી હતી.આ ઘટના બાદ પણ સંજય તેના મામા સાથે સંબંધ રાખતો હતો અને તેમની સાથે રહેતો-બોલતો હતો. આ વાત નિરજ સોલંકીને ખટકતી હતી અને તેની દાઝ રાખી ગત રોજ નિરજ મોટર સાયકલ લઈને સંજયભાઈના ઘરે આવ્યો હતો અને વાતચીત કરી પાનમાવો ખાવા બહાર જવાનું કહી સંજયભાઈને બાઈક પર બેસાડી વિજય ટોકીઝ વડવા તલાવડી બાજુ લઈ ગયો હતો. દરમિયાનમાં બાઈકમાંથી છરી કાઢી આડેધડ છરીના ઘા સંજયભાઈ પર ઝિંકી દીધાં હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સંજય પરમારને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે સંજયભાઇએ નિરજ સોલંકી વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




