કામ શીખવવાની દાઝમાં લોહિયાળ ખેલ, તળાજાના દિહોરમાં શ્રમિકની ક્રુર હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર જિલ્લામાં ૨૪ કલાકમાં બીજી હત્યાથી કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલ
દાહોદથી કામ શીખવા માટે આવેલા શખ્સે રાત્રે જમીને સૂતા બાદ શ્રમિકને પાવડાના ઘા ઝીંકી હત્યા કરી
તળાજા - ભાવનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં હત્યાનો આ બીજો સનસનાટીભર્યો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ ફેલાઈ ગયો છે. તળાજા તાલુકાના દિહોર ગામની વાડીમાં કામ શીખવવા બાબતે ગિન્નાયેલા નવા શ્રમિકે લોખંડના હાથાવાળા પાવડાના ઘા ઝીંકી સાથી શ્રમિકની હત્યા કરી નાખી છે, જ્યારે બચાવવા પડેલા અન્ય શ્રમિક પર પણ જીવલેણ હુમલો કર્યો છે. વારંવાર બનતી આ લોહિયાળ ઘટનાઓએ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે તીખા સવાલો ખડા કર્યા છે.
ગત તા. ૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે દિહોર ગામે દીગુભા બોધુભા ગોહીલની વાડીએ આ ખૂની ખેલ ખેલાયો હતો. વાડીમાં છેલ્લા દસેક વર્ષથી કામ કરતા ભરતભાઈ તુલસીભાઈ દલસાણીયા (રહે. સિહોર) અને ભગવાનભાઈ મનુભાઈ રાઠોડ (ઉં.વ. ૫૦, મૂળ રહે. ઝામરાળા, તા.જી. બોટાદ) સાથે પાંચ દિવસ અગાઉ જ દાહોદના સંજયને કામે રાખવામાં આવ્યો હતો. બંને અનુભવી શ્રમિકો નવા આવેલા સંજયને વારવાર કામ ચીંધતા હોવાની દાઝ રાખીને સંજયએ રાત્રે જમ્યા બાદ સુઈ રહેલા ભરતભાઈ પર પાવડા વડે હુમલો કર્યો હતો.બચાવવા વચ્ચે પડેલા શ્રમિકને પણ ફટકાર્યા ભરતભાઈના માથામાં પાવડાના જીવલેણ ઘા ઝીંકાતા ભગવાનભાઈ તેમને બચાવવા વચ્ચે પડયા હતા. ખીજાયેલા સંજયએ ભગવાનભાઈને પણ માથા અને ડાબા ખંભાના ભાગે પાવડાના ઘા મારી લોહીલુહાણ કરી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે ભગવાનભાઈને માથા તથા ખંભામાં સાત-સાત ટાંકા આવ્યા હતા.સળંગ ૨૪ કલાકમાં હત્યાની બીજી ઘટનાએ તંત્રની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની કડક અમલવારી પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. તળાજા પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ ૧૦૩(૧), ૧૦૯(૧), ૧૧૮(૧) તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી સંજયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.




