Bhavnagar

ભાવનગરમાં મોતનો સોદાગર 'રઈશ' રિમાન્ડ પર, ઝેરી દારૃએ લીધા ૯ લોકોના ભોગ

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં લઠ્ઠાકાંડથી 9 નિર્દોષોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. ઝેરી દારૂના મુખ્ય સૂત્રધાર રઈશ સહિત 14 આરોપીઓ ઝડપાયા છે. પોલીસે 5 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ બનાવમાં અનેક પરિવારોના માળા વિખાયા છે. દારૂબંધીના દાવા વચ્ચે, પીડિતોને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં મોતનો સોદાગર 'રઈશ' રિમાન્ડ પર, ઝેરી દારૃએ લીધા ૯ લોકોના ભોગ

દારૃના દુષણને રોકવામાં નિષ્ફળ ગયેલી ભાવનગર પોલીસ બેડામાં સોંપો

ખુશીઓના માળા વિખાયા, પરિવારોમાં આક્રંદ વચ્ચે પોલીસે મુખ્ય સૂત્રધારોને સિકંજે લીધા

ભાવનગર - ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અનેક નિર્દોષોનો ભોગ લેવાયો છે. મુખ્ય સૂત્રધાર સહિત ૧૪ આરોપી પોલીસના સિકંજામાં છે. બીજી તરફ દારૃના દુષણને રોકવામાં નિષ્ફળ ગયેલી ભાવનગર પોલીસના કર્મચારીઓ સામે કરવામાં આવેલી સસ્પેન્શની કામગીરીના લીધે પોલીસ બેડાંમાં સોંપો પડી ગયો છે. આજે સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થતાં કુલ સત્તાવાર મૃતકઆંક ૧૦ થયો છે. દારૃબંધીના દાવા વચ્ચે લઠ્ઠાકાંડના પીડિતોને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું. બીજી તરફ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈશને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ૩૧ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

ભાવનગરમાં ઝેરી દારૃના કાળા કારોબારે નિર્દોષ લોકોના જીવ લીધા છે. ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રારંભ થયેલા આ ઘાતક લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં ૯ જેટલા નિરપરાધ લોકો ઝેરી દારૃનો ભોગ બનીને મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે. ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી સત્તારભાઈ મુસાભાઈ નામના દર્દીનું મોત નિપજતા કુલ સત્તાવાર મૃતકઆંક ૯ થયો છે. મોતના સોદાગરોએ રચેલા ઝેરી જાળમાં ફસાઈને અનેક પરિવારોએ પોતાના ઘરના કમાતા અને વહાલસોયા સભ્યો ગુમાવ્યા છે. પોતાના સ્નેહીજનોના અકાળે થયેલા અવસાનથી અનેક માસૂમ પરિવારોના હસતા રમતા માળા વિખાઈ ગયા છે. અને સમગ્ર વિસ્તારમાં ગમગીની સાથે ભારે રોષનો માહોલ વ્યાપી ગયો છે. આ ગંભીર ઘટનાની તપાસ હાથ ધરાતા જ ખાખી વર્ધીની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવી છે. લઠ્ઠાકાંડની ગંભીરતાને ધ્યાને રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે, જેમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ પાંચ પોલીસ કર્મચારીઓને તુરંત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દારૃના દૂષણને રોકવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે આ કડક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. સાથે જ ચર્ચાએ પણ જોર પકડયું છે કે સસ્પેન્શનનો આ રેલો હજુ પોલીસ તંત્રમાં કેટલે દૂર સુધી પહોંચશે અને કયા કયા ઉચ્ચ અધિકારીઓ સુધી આની આંચ આવશે? બીજી તરફ, સ્ટેટ મોનિટરિંગ સેલએ આ મોતના સોદાગરો અને લઠ્ઠાકાંડના મુખ્ય જન્મદાતાઓને પોતાની ગિરફ્તમાં લઈ લીધા છે. પોલીસના કડક સિકંજામાં આવેલા આ અસામાજિક તત્વો સામે હવે કડકમાં કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત એસએમસીની ટીમે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી 'રઈશ'ને આજે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ૩૧ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. બીજી તરફ એસએમસી દ્વારા કરવામાં આવનાર તીક્ષ્ણ તપાસમાં આ ઝેરી દારૃ ક્યાંથી આવ્યો, કોના છત્રછાયા હેઠળ આ કાળો કારોબાર ફાલ્યો-ફૂલ્યો અને આ લઠ્ઠાકાંડ પાછળ બીજા કયા મોટા માથાંઓ સંકળાયેલા છે તેવા અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.આ કરૃણ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દારૃબંધીના કાગળ પરના દાવાઓ વચ્ચે ઝેરી દારૃનો વેપાર નિર્દોષોેના ઘર ઉજાડી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે કાયદો આ મોતના સોદાગરોને કેવી સખત સજા અપાવે છે.

ડુપ્લીકેટ દારૃનો કહેર, વધુ એક દર્દીનું મોત, મૃતકઆંક ૯ થયો

ડુપ્લીકેટ દારૃનો કહેર ભાવનગરમાં સ્થિતિ યથાવત રહી છે. જેમાં કુલ મોત ૯ વ્યક્તિઓના મોત થયા છે. હાલની સ્થિતિએ કુલ ૬૧ દર્દીઓ અસરગ્રસ્ત થયા છે. ૧૦ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ૨૫ દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં ૧૫ દર્દીઓ સ્ટેબલ, ૫ દર્દીઓ આઇસીયુ, અને ૪ દર્દીઓ ક્રિટિકલ, ૧ દર્દી વેેન્ટિલેટર પર છે. તદુપરાંત ૧૮ દર્દીઓેએ હોસ્પિટલનો સંપર્ક કર્યો અને ડોક્ટરની સલાહ લીધા બાદ ત્યાંથી જતા રહ્યા હતા.