પાલીતાણામાં સિંહણે માલધારીને જડબામાં જકડી રાખ્યો, રૂંવાડા ઊભા કરી દેતો વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lioness Attacks Maldhari In Palitana: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે (છઠ્ઠી જુલાઈ) સિંહણ દ્વારા એક માલધારી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. સિંહણના આ હુમલામાં માલધારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
ઘર આંગણે જ માલધારી પર સિંહણે કર્યો હુમલો
મળતી માહિતી અનુસાર, પાલીતાણા તાલુકાના ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુ ગમારા આજે સવારે પોતાના ઘરે હાજર હતા. આ દરમિયાન અચાનક જ બે સિંહણ ત્યાં ધસી આવી હતી અને એક સિંહણે કાળુ ગમાર પર હુમલો કર્યો હતો. સિંહણના અચાનક થયેલા હુમલાના કારણે માલધારી લોહિયાળ થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સિંહણે વાછરડીનું મારણ કર્યું હતું.
લોકોની બૂમો અને રુંવાડા ઊભા કરતો વીડિયો
આ હુમલા દરમિયાન આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહણ માલધારીને જમીન પર દબોચીને બેઠી છે અને આસપાસ ઊભેલા લોકો તેમને બચાવવા માટે જોરજોરથી બૂમો પાડી રહ્યા છે અને સિંહણને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોએ ભેગા મળીને ભારે જહેમત બાદ માલધારીને સિંહણના પંજામાંથી મુક્ત કરાવ્યા હતા અને તાત્કાલિક પાલિતાણાની સરકારી હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. માલધારી પર થયેલા સિંહણના હુમલાના પગલે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી છે.









