ભાવનગરના કુંભારવાડામાં ભંગારની બોટલ ફાટતા પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ભભૂકી,એક જ પરિવારના આઠ દાઝયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં કાળજું કંપાવનારી દુર્ઘટના
એલ્યુમિનિયમની બોડી સ્પ્રેની બોટલો તોડતી વખતે ગેસ લીક થતા સર્જાયો અગ્નિકાંડ, બાળકો અને મહિલાઓ સહિત ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા
ભાવનગર - ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મિલની ચાલીની શેરી નંબર ૩માં એક હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા એક શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં એલ્યુમિનિયમની સ્પ્રેની બોટલ તોડતી વખતે અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટને પગલે જોતજોતામાં વિકરાળ આગે સમગ્ર ઝૂંપડાને પોતાની લપેટમાં લઈ લેતા એક જ પરિવારના બાળકો અને મહિલાઓ સહિત કુલ આઠ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.
બનાવની મળતી વિગતો અનુસાર, કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા સાહિલભાઈ નામના યુવક ભંગારની ફેરી અને છૂટક વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના કાકા દ્વારા એકત્રિત કરીને લાવવામાં આવેલા ભંગારના જથ્થાને અલગ-અલગ કરીને એસોર્ટ (વર્ગીકરણ) કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સાહિલભાઈ ભંગારમાં આવેલી એલ્યુમિનિયમની બોડી સ્પ્રેની ખાલી બોટલોને તોડીને તેમાંથી હવા અને જ્વલનશીલ ગેસ બહાર કાઢી રહ્યા હતા. કમનસીબે, આ પ્રક્રિયા દરમિયાન અચાનક કોઈ તણખો ઝરતા કે ઘર્ષણ થતા બોટલમાં રહેલા ગેસમાં પ્રચંડ ભડકો થયો હતો અને કાન ફાડી નાખે તેવા મોટા વિસ્ફોટ સાથે આગ ભભૂકી ઉઠી હતી.વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આગની જ્વાળાઓએ પળવારમાં જ ઝૂંપડામાં હાજર રહેલા તમામ સભ્યોને ઘેરી લીધા હતા. સાહિલભાઈ સહિત ઘરમાં રહેલી મહિલાઓ અને માસૂમ બાળકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને આઠેય સભ્યો આગની ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૃ કરી હતી.
ફાયર બ્રિગેડ અને ૧૦૮ની ત્વરિત કામગીરી ઘટનાની જાણ થતા જ ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા કુલિંગની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ટીમો મારફતે તમામ આઠેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરકારી સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, દાઝી ગયેલા સભ્યો પૈકી કેટલાકની હાલત અત્યંત નાજુક અને ગંભીર જણાઈ રહી છે. એક જ પરિવાર પર આવી પડેલી આ આફતને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.




