Bhavnagar

ભાવનગરમાં ઝેરી દારૂની 300 બોટલો વેચાઈ હતી, 70થી વધુને અસર, 200થી વધારે બોટલો કબજે લેવાયાનો દાવો

By GS Team
22 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગર લઠ્ઠાકાંડમાં ‘સત્તાવાર’ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે, જ્યારે 61 લોકો બીમાર પડ્યા છે. 25 વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે. નકલી દારૂની 300માંથી 200થી વધુ બોટલો જપ્ત કરાઈ છે. 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, 13ની ધરપકડ થઈ છે. મુખ્ય આરોપી 'રઈશ' 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર છે. તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં ઝેરી દારૂની 300 બોટલો વેચાઈ હતી, 70થી વધુને અસર, 200થી વધારે બોટલો કબજે લેવાયાનો દાવો

Bhavnagar Fake Liquor Case: ભાવનગરના લઠ્ઠાકાંડમાં ‘સત્તાવાર’ મૃત્યુઆંક વધીને 10 થયો છે. અત્યારસુધી 61 લોકોનું નકલી દારૂ પીવાથી સ્વાસ્થ્ય કથળ્યું છે. આ પૈકી 25 વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમાંથી 10ની હાલત અત્યંત ગંભીર છે. ભાવનગરમાં મોકલાયેલી નકલી દારૂની 300માંથી 200થી વધારે બોટલો જપ્ત કરી લીધી હોવાનો દાવો કરાયો છે. લઠ્ઠાના ભોગ બનેલાનો આંક હાલ 70થી વધુ છે. આ આંકમાં હજુ પણ વધારો થાય તેવી ભીતિ છે.

21 આરોપીઓ સામે ગુના નોંધાયા

મળતી માહિતી અનુસાર, ભાવનગરમાં દારૂની 300 બોટલો એવી મોકલાઈ હતી, જે નકલી હતી. જેમાં મિથેનોલ અને ઈથેનોલનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. કુલ 61 લોકોને આ દારૂની અસર થઈ છે. જેમાંથી 25 હજુ સારવાર હેઠળ છે. 18 વ્યક્તિએ દારૂ પીધો હતો તેમણે હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો અને ડોક્ટરની સલાહ લીધી હતી. હાલ જે સારવાર હેઠળ છે તેમાંથી 15 સ્થિર છે જ્યારે 10 આઈસીયુમાં છે, જે પૈકી એક વેન્ટિલેટરમાં છે.

સરકારના દાવા પ્રમાણે હાલમાં પોલીસ દ્વારા આશરે 29 લોકોને શોધી કાઢી તેમની મેડિકલ તપાસ અને જરૂરી સારવાર કરાવવામાં આવી છે. 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસના આધારે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયા છે. આ ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ને સોંપી છે. આ ઘટનાના તાર અન્ય રાજ્ય સુધી પહોંચતા હોય ત્યાં પણ જઈને તપાસ અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ તપાસ એજન્સીઓને છે.

મુખ્ય આરોપી ‘રઈશ’ 31મી ઓગસ્ટ સુધી રિમાન્ડ પર

એસએમસીની ટીમે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ‘રઈશ’ને પોલીસ બંદોબસ્ત વચ્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 31મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ એસએમસી દ્વારા કરવામાં આવનાર તીક્ષ્ણ તપાસમાં આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોના છત્રછાયા હેઠળ આ કાળો કારોબાર ફાલ્યો-ફૂલ્યો અને આ લઠ્ઠાકાંડ પાછળ બીજા કયા મોટા માથાંઓ સંકળાયેલા છે તેવા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટઓ થવાની પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.

અમારો દારૂ નકલી તો નહીં હોય ને?: નિયમિત પીનારામાં ચિંતા

ગુજરાતમાં દારૂબંધી તો કાગળ પર છે જ પણ હવે અસલી બોટલમાં નકલી દારૂનું જે રીતે બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે, તેનાથી નિયમિત પીનારા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તેઓમાં એ વાતનો ડર પેસી ગયો છે કે દારૂનું સેવન કરી રહ્યા છે તે નકલી તો નથી હોય ને?

દારૂમાં મિથેનોલ એટલે ઝેર

પીવાના દારૂમાં મુખ્ય આલ્કોહોલ હોય છે. તેના બદલે અથવા તેની સાથે મિથેનોલ જેવા અયોગ્ય ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ થાય ત્યારે જોખમ જીવલેણ બની શકે છે. મિથેનોલ શરીરમાં ગયા પછી એવા ઝેરી પદાર્થમાં પરિવર્તિત થાય છે જે ખાસ કરીને આંખ, મગજને ગંભીર રીતે અસર કરી શકે છે. પરિણામે દ્રષ્ટિ ગુમાવવાથી લઈને કોમા અને મૃત્યુ સુધીની સ્થિતિ ઊભી થઈ શકે છે. 2022ના બોટાદ-ધંધુકા વિસ્તારમાં બનેલી ઘટના ગુજરાતના ઈતિહાસની સૌથી ભયાનક લઠ્ઠાકાંડની ઘટનાઓમાંની એક બની. લોકોને દારૂ હોવાનું માનીને પીવડાવવામાં આવેલા પ્રવાહીમાં 98.71થી 98.99 ટકા સુધી મેથાનોલ હોવાનું સામે આવ્યું હતું.

લઠ્ઠાકાંડમાં સુરતની હોસ્પિટલમાં દાખલ યુવાન બ્રેઈનડેડ જાહેર

સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર ભાવનગરના લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરત શહેરમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં રહેતા યુવાનની તબિયત અત્યંત નાજુક થતાં ભટોદરા ખાતેની હોસ્પિટલમાં તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, મૂળ ભાવનગરના પાલિયાદના વતની અને હાલમાં સુરતના અઠવા લાઈન્સ ખાતેની કોલેજમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અને ત્યાં જ રૂમમાં રહેતા 37 વર્ષીય સંજયસિંહ ડોડિયા ગત 15મી ઓગસ્ટે રજા હોવાથી વતન ભાવનગર ગયા હતા, ત્યાં તેમણે મિત્રો સાથે દારૂ પીધો હતો. ત્યારબાદ ગત 17મી ઓગસ્ટ સવારે સુરત પરત આવ્યા પછી તેમની તબિયત બગડતાં સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પુણાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.