ભાવનગરમાં લોકોના વિરોધ વચ્ચે હાઉસિંગ બોર્ડના ૧૩૦૦ જર્જરિત મકાન તોડી પડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જર્જરિત મકાન ખાલી કરાવવા હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ કવાયત હાથ ધરી
મારૃતીનગરમાં જર્જરિત મકાન તોડવા જતા લોકોએ વિરોધ કર્યો, અધિકારીઓએ લોકોને સમજાવી મામલો થાળે પાડયા
ભાવનગર - ભાવનગર શહેરના ભરતનગર સહિતના વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન આવેલા છે અને આ મકાન રીપેરીંગ કરવા અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ રીપેરીંગ નહીં કરાવતા હાલ મકાન વધુ જર્જરિત થઈ ગયા છે તેથી હાઉસિંગ બોર્ડે જર્જરિત મકાન તોડવાની કામગીરી હાથ ધરી છે, જેના પગલે આજે ગુરૃવારે ભરતનગરના મારૃતીનગરમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ અધિકારીઓને સમજાવી મામલો થાળે પાડયો હતો.
શહેરના ભરતનગરના કૈલાસનગર, મારૃતીનગર સહિતની જગ્યાએ હાઉસિંગ બોર્ડના ૧૩૦૦ જર્જરિત મકાન આવેલા છે, જેમાં બે માળીયા અને ત્રણ માળીયાનો સમાવેશ થાય છે. હાઉસિંગ બોર્ડના મકાન વર્ષો જુના છે અને ચાર-પાંચ વર્ષ પૂર્વે જર્જરિત મકાન રીપેરીંગ કરવા માટે તંત્રએ નોટિસ પણ રહીશોને આપી હતી, જેમાં મોટાભાગના લોકોએ મકાન રીપેરીંગ નહીં કરાવતા હાલ મકાન વધુ જર્જરિત થઈ ગયા છે તેથી આ મકાનો ગમે ત્યારે પડવાની સંભાવના છે તેથી હાલ તોડી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ હાઉસિંગ બોર્ડના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.
શહેરના ભરતનગરના મારૃતીનગરમાં આજે ગુરૃવારે જર્જરિત મકાન તોડવાની જેસીબીથી કરવામાં આવી રહી હતી ત્યારે રહીશો એકઠા થઈ ગયા હતા અને કોંગ્રેસ આગેવાનોને જાણ કરી હતી. તમામ લોકોએ ભેગા થઈ મકાન તોડવાની કામગીરી અટકાવી હતી તેથી હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતાં. રહીશોએ મકાન તોડવાનો વિરોધ કર્યો હતો અને અમારે રહેવા કયાં જવુ ? તેવા પ્રશ્નો કર્યા હતાં. આ જર્જરિત મકાન રહેવા લાયક નથી અને પડશે તો જાનહાની થશે તેથી મકાન ખાલી કરી દેવા હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ રહીશોને સમજાવ્યાં હતાં. જર્જરિત ફલેટમાં મોટાભાગના મકાન ખાલી છે અને કેટલાક લોકો રહે છે, જેને અન્ય જગ્યા ફરી જવા તંત્ર સમજાવી રહ્યુ છે પરંતુ લોકો ભાડા ભરી શકે તેવી પરિસ્થિતમાં ન હોવાથી વૈકલ્પીક વ્યવસ્થા કરવાની માંગણી કરી રહ્યા છે.
ભાડા ભરી શકે તેમ ન હોય વૈકલ્પીક વ્યવસ્થા કરવા રહીશોની માંગણી
શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાનમાં નાના અને મધ્યમ વર્ગના લોકો રહે છે. આ લોકોની આવક ઓછી છે તેથી ભાડા ભરી શકે નથી તેથી હાઉસિંગ બોર્ડના અધિકારીઓને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપવા માંગણી કરી છે પરંતુ હાલ કોઈ વૈકલ્પીક વ્યવસ્થા તંત્રએ કરી નથી અને લોકોને મકાન ખાલી કરવા જણાવેલ છે. મકાન ખાલી કરાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાઉસિંગ બોર્ડના મકાન રિ-ડેેવલપમેન્ટ કરવામાં સમય લાગશે
ભાવનગર શહેરના ભરતનગર સહિતના વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જે જર્જરિત મકાન છે, તેને રિ-ડેવલપમેન્ટ કરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે પરંતુ કોન્ટ્રાકટરો મળ્યાં બાદ કામગીરી હાથ ધરાશે. કોન્ટ્રાક્ટરો કામ હાથ ધરશે ત્યારબાદ આશરે ત્રણ વર્ષનો સમય ફલેટ બનાવવામાં લાગશે તેમ અધિકારીઓએ જણાવેલ છે. આ કામગીરીમાં લાંબો સમય લાગશે તેમ જણાય રહ્યુ છે.









