Bharuch

શુક્લતીર્થમાં 2.85 કરોડના ખર્ચે બનેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક દિવસ પણ ન ચાલ્યો

By GS Team
18 Jul 20263 mins read
TukuTouch Logo
ભરૂચના શુકલતીર્થ ગામમાં ₹2.85 કરોડના ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 2022માં ઉદ્ઘાટન થયું, પરંતુ તે એકપણ દિવસ ચાલ્યો નથી. અમદાવાદની મેસર્સ ક્રિષ્ણા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનેલો આ પ્લાન્ટ બિનકાર્યરત છે. ગ્રામજનો પ્રદૂષણ, મચ્છર અને દુર્ગંધથી ત્રસ્ત છે. ચોંકાવનારી વાત એ છે કે, પ્લાન્ટનું વીજ કનેક્શન બાજુના સ્મશાનના મીટર સાથે જોડીને વીજ ચોરી કરાઈ રહી છે. આ કૌભાંડની તપાસના આદેશ અપાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શુક્લતીર્થમાં 2.85 કરોડના ખર્ચે બનેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક દિવસ પણ ન ચાલ્યો

Bharuch News: ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના ઐતિહાસિક શુકલતીર્થ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ લોહારિયા તળાવના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવા માટે 2.85 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વર્ષ 2022માં મંજૂર કરાયો હતો. ત્યારબાદ તૈયાર થયેલો આ પ્લાન્ટ એક પણ દિવસ ન ચાલતા પ્રદૂષણની સમસ્યા ઘટવાના બદલે એટલી બધી ગઈ છે કે, સ્થાનિક રહીશો હવે પ્રદૂષણ, મચ્છર અને દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે.

પ્લાન્ટનું કામ મેસર્સ ક્રિષ્ણા કન્સ્ટ્રક્શન કંપનીને સોંપાયું હતું

સૂત્રોના જણાવ્યાનુસાર, આ પ્લાન્ટનું કામ અમદાવાદની મેસર્સ ક્રિષ્ણા કન્સ્ટ્રક્શન કંપનીને સોંપાયું હતું, જેના મુખ્ય કોન્ટ્રાક્ટર ધવલ કડકિયા છે. પાણી પુરવઠા ખાતાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર એચ.બી. દેવાણીની સહીથી આ ટેન્ડર અપાયું હોવાનું જાણવા મળે છે. જૂન 2023માં કામ પૂર્ણ કરવાનું હોવા છતાં કાગળ પર જ લોલમલોલ ચલાવી આખો પ્લાન્ટ બિનકાર્યરત રાખવામાં આવ્યો હતો. પ્લાન્ટ ચાલુ બતાવવા માટે તેનું વીજ જોડાણ બાજુના સ્મશાનના મીટર સાથે જોડી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

એજન્સીને પાંચ વર્ષ સુધી પ્લાન્ટના સંચાલનની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ એજન્સી પ્લાન્ટને બિનવારસી હાલતમાં મૂકીને ગાયબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પ્લાન્ટનું ઉદ્ઘાટન તત્કાલીન કલેક્ટર તુષાર સુમેરા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ડીડીઓ પ્રશાંત જોષીની ઉપસ્થિતિમાં થયું હતું. હવે ઉદ્ઘાટન કાગળ પર જ રહેતા ધારાસભ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે. આ આખા થોક કૌભાંડ અને બેદરકારી અંગે સ્થાનિક વહીવટી તંત્રના જવાબદાર સાહેબો હાલ રજા પર ઉતરી ગયા હોવાથી કોઈ સત્તાવાર ખુલાસો મળ્યો નથી.

આ અંગે પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર એચ.બી. દેવાણીએ જણાવ્યું હતું કે, '2023માં શુકલતીર્થ ખાતે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું અને પ્લાન્ટ ચાલુ કરાયો હતો. વર્ષ 2025માં મારી બદલી થયા બાદ હાલમાં જ બે મહિનાથી પુનઃ ભરૂચમાં કાર્યપાલક ઈજનેર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને શુકલતીર્થના પ્લાન્ટનું નિરીક્ષણ કરી ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરી કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ડે.ઈજનેર રાકેશ વસાવાએ જણાવ્યું હતું કે, 'હાલ હું રજા પર છું શનિવારે ફરજ ઉપર આવીશ અને ત્યાર બાદ પ્લાન્ટ અંગે સ્થળ નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરવામાં આવશે.'

સ્થળ તપાસમાં કરોડોનો પ્લાન્ટ તદ્દન બિનવારસી મળ્યો

ગ્રામજનોના આક્રોશ બાદ મીડિયા દ્વારા કરવામાં આવેલી સ્થળ તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. 2.85 કરોડ રૂપિયાનો આખો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બિનવારસી અને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો છે. કરોડો રૂપિયાના સરકારી સાધનો કાટ ખાઈ રહ્યા છે અને પ્લાન્ટના કીમતી પાર્ટ્સ બિનઉપયોગી અવસ્થામાં પડ્યા હોવા છતાં ઓફિસમાં કોઈ જવાબદાર અધિકારી હાજર મળતા નથી.

સ્મશાનના મીટરથી વીજ ચોરીનું મોટું કૌભાંડ ખૂલ્યું

પ્લાન્ટ ચોપડે ચાલુ હોવાનો ખોટો દેખાવ કરવા માટે તંત્ર અને એજન્સી દ્વારા ગંભીર કૌભાંડ આચરાયું છે. પ્લાન્ટની ઓફિસનું વીજ કનેક્શન બાજુમાં આવેલા સ્મશાનના મીટર સાથે ગેરકાયદે રીતે જોડીને વીજળી મેળવવામાં આવી રહી છે. ઓફિસમાં કોઈ કર્મચારી નથી અને પ્લાન્ટ ઉપર રહેતા વિજયકાકાને પૂછતાં તેમણે જણાવ્યું કે 'ઈલેક્ટ્રિક મોટર બગડેલી હોવાથી પ્લાન્ટ બંધ છે.'

ઈલેક્ટ્રિક મોટર બગડી ગઈ હોવાનો ગામના સરપંચનો લૂલો બચાવ

પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે શુકલતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા પણ હાજર હતા. તેમનો આ બાબતે સંપર્ક સાધવામાં આવતા તેઓ આ સમગ્ર મામલે પોતાની સત્તાવાર જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહ્યા છે. કરોડોનો પ્લાન્ટ બંધ હોવા અંગે પૂછતાં તેમણે મોટર બગડી હોવાનો લૂલો બચાવ કર્યો હતો. પરંતુ સ્થાનિકોના મતે ઉદ્ઘાટન બાદથી જ પ્લાન્ટ બંધ હોવાથી હવે સરપંચ અને તંત્રની મિલીભગતની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે.