'સાહેબ હું હજી જીવિત છું...!', સુરત કચેરીમાં હાજર થયા ટ્રસ્ટી, જીવતા વ્યક્તિને મૃત બતાવાયાની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch Baliyadev Temple Trust : ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પ્રાચીન બળિયાદેવ મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ બનવા માટે જીવિત ટ્રસ્ટીને કાગળ પર મૃત જાહેર કરીને ટ્રસ્ટમાંથી તેનું નામ કમી કરાવ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભરૂચ ચેરિટી કમિશનર સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
નોટરી કરીને જીવીત વ્યક્તિને મૃત જાહેર કરાયો
મળતી વિગતો મુજબ, બળિયાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બનવા માટે નવીનચંદ્ર ડાહ્યાભાઈ રાણાએ પોતાના માણસોને ટ્રસ્ટી બનાવવા માટે જીવિત ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણભાઈ માસ્તરને નોટરી કરેલા સોગંદનામામાં મૃત જાહેર કર્યા હોવાનો આક્ષેપ છે. આ આધારે ભરૂચ ચેરિટી કમિશનર સમક્ષ દસ્તાવેજો રજૂ કરીને અશ્વિનભાઈનું નામ ટ્રસ્ટમાંથી કમી કરાવવામાં આવ્યું હતું. આ દસ્તાવેજોના આધારે નવા ટ્રસ્ટીઓની નિમણૂકનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. જોકે, દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ આ હુકમ સામે સુરત ચેરિટી કમિશનર સમક્ષ અપીલ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સુરતથી નોટિસ મળ્યા બાદ રૂબરૂ કચેરીએ પહોંચ્યા
સુરતથી નોટિસ મળ્યા બાદ અશ્વિનભાઈ રૂબરૂ કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે અધિકારીઓને કહ્યું હતું કે, “સાહેબ, હું હજી જીવિત છું!” તેમણે પોતાના જીવિત હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા. આ પછી સુરત ચેરિટી કમિશનરે ભરૂચ ચેરિટી કમિશનરના હુકમ પર સ્ટે આપ્યો હતો. જીવિત હોવાના પુરાવા સાથે અશ્વિનભાઈએ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નવીન રાણા સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન નોટરી, વકીલ અથવા અન્ય કોઈ અધિકારીની સંડોવણી બહાર આવશે તો તેમને પણ આરોપી બનાવવામાં આવશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું છે.
નોટરી એડવોકેટ ચિરાગ પરમારનો ગુનાહિત ઇતિહાસ
આ કેસમાં નોટરી એડવોકેટ ચિરાગ પરમારનું નામ પણ સામે આવ્યું છે. અગાઉ વાગરા પંથકમાં કરોડો રૂપિયાના મીઠાના અગરના નકલી દસ્તાવેજોના કેસમાં તેની ધરપકડ થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ આ કેસમાં પણ જીવિત વ્યક્તિને મૃત દર્શાવતા સોગંદનામા પર નોટરી કરી આપ્યાનો આરોપ છે. હવે પોલીસની તપાસ આગળ વધે તેમ આ સમગ્ર મામલે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.




