ચાલુ ટ્રેને ચોરે મોબાઇલ ઝૂંટવતા યુવક સંતુલન ગુમાવી ટ્રેન નીચે કચડાયો, અંકલેશ્વરની હચમચાવતી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ankleshwar Panoli Station Mobile Snatching: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. છઠ્ઠી ઓગસ્ટે ચાલુ ટ્રેને મોબાઈલ ઝૂંટવી લેવાની કોશિશમાં યુવક ટ્રેન નીચે પટકાતાં ગંભીર રીતે ઘવાયો હતો, જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધોખોળ હાથ ધરી છે.
ચાલુ ટ્રેને મોબાઈલ ઝૂંટવતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન (નંબર 12980)ના જનરલ કોચના દરવાજા પાસે બેસીને સવાઈ માધવપુરથી સુરત તરફ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે સ્ટેશન પરના બાકડા પર સૂતેલો એક અજાણ્યો શખસ અચાનક ઊભો થઈને દોડી આવ્યો હતો અને ચાલુ ટ્રેને અશોકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો.
અચાનક લાગેલા આંચકાના કારણે અશોક ગુર્જર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. તેઓ થોડો સમય ડબ્બા સાથે લટકેલી હાલતમાં રહ્યા હતા, પરંતુ પકડ છૂટી જતાં પ્લેટફોર્મ પર પડીને આશરે 100 મીટર સુધી ઢસડાયા હતા અને ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અશોકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
સીસીટીવીમાં કેદ થઈ ઘટના, પોલીસ તપાસ તેજ
ઘટના બાદ આરોપી પોતાનું મોંઢું સંતાડીને ભાગી ગયો હતો અને થોડીવાર પછી પોતાના એક સાથીદાર સાથે પરત આવીને પ્લેટફોર્મ પર પડેલી ચીજવસ્તુઓ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ પોલીસે તેના આધારે દેખાતા બે શંકાસ્પદ શખસો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા ચક્રગતિમાન કર્યા છે.









