Bharuch

‘સાહેબને 50 હજાર આપવા પડશે’, ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વર્ગ 1-2 અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ભરૂચમાં ખોરાક અને ઔષધ નિયમન કચેરીમાં દવાના નવા હોલસેલ પરવાના માટે રૂ. 40,000ની લાંચ લેતા વર્ગ-1ના મદદનીશ કમિશનર પ્રકાશ પોસનાની અને વર્ગ-2ના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈને નર્મદા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા. પોતાની ચેમ્બરમાં જ લાંચ સ્વીકારતા બંને અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેણે વહીવટી બેડામાં હડકંપ મચાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘સાહેબને 50 હજાર આપવા પડશે’, ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વર્ગ 1-2 અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Bharuch Food and Drugs Department ACB Bribe Trap: ભરૂચમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર(ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ) કચેરીમાં દવાના નવા હોલસેલ પરવાના(લાયસન્સ) આપવાના બહાને રૂ.40,000ની લાંચ સ્વીકારતા વર્ગ-1ના મદદનીશ કમિશનર અને વર્ગ-2ના મહિલા ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને નર્મદા ACBની ટીમે પોતાની ચેમ્બરમાં જ રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે બંને અધિકારી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, ACBની એક્શનને પગલે ભરૂચ સહિત સમગ્ર રાજ્યના વહીવટી બેડામાં ભારે સન્નાટો અને હડકંપ વ્યાપી ગયો છે.

પરવાના માટે મહિલા અધિકારીએ કહ્યું- ‘સાહેબને 50 હજાર આપવા પડશે’

પ્રાપ્ત વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે ભરૂચ સ્થિત મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી ખાતે દવા વેચવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે વિધિવત અરજી કરી હતી. આ લાયસન્સ મંજૂર કરવા અને પ્રક્રિયા આગળ વધારવાના બદલામાં કચેરીના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર(વર્ગ-2) સુરભીબહેન મોહનલાલ દેસાઈએ અરજદાર પાસે રૂ.40,000થી 50,000ની લાંચની સીધી માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે 'તમારું કામ થઈ જશે પણ સાહેબને આટલાં રૂપિયા આપવા પડશે.'

ACBનું ગણતરીની કલાકોમાં સફળ છટકું

અરજદાર કોઈ પણ ભોગે લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક નર્મદા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર ઘટના જણાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે નર્મદા ACB અને વડોદરા ACBના ઉચ્ચ અધિકારીઓની સુપરવિઝન હેઠળ 18 ઓગસ્ટ, 2026ના રોજ ભરૂચ કચેરી ખાતે જ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

અરજદાર જ્યારે લાંચની રકમ આપવા કચેરીમાં પહોંચ્યા ત્યારે મદદનીશ કમિશનર(વર્ગ-1) પ્રકાશભાઇ નાનકરામ પોસનાની અને ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સુરભીબહેન દેસાઈએ પોતાની ચેમ્બરમાં જ હેતુલક્ષી વાતચીત કરી રૂ.40,000ની રોકડ રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાં જ આસપાસ ગોઠવાયેલી ACBની ટીમે ત્રાટકીને બંને અધિકારીઓને રંગેહાથ દબોચી લીધા હતા અને લાંચની સંપૂર્ણ રકમ સ્થળ પરથી રિકવર કરી લીધી હતી.

સરકારી હોદ્દાનો દુરુપયોગ કરનારા બાબુઓ જેલભેગા

વર્ગ 1-2ના અધિકારીઓ જ સામાન્ય નાગરિક પાસેથી હકની સેવા બદલ લાંચ માંગતા પકડાતા ચકચાર મચી છે. ACBએ બંને આરોપીઓ સામે ગુનાહિત ગેરવર્તણૂંક અને કાયદાના ઉલ્લંઘન બદલ ગુનો નોંધી તેમની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ સફળ ટ્રેપથી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.