ભરૂચમાં ક્લાસ-1 અધિકારીનો આપઘાત: દેવાના બોજથી કંટાળી આયોજન અધિકારીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટ મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Class 1 Officer Tragic Death : ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં માત્ર એક મહિના અગાઉ જ બદલી થઈને આવેલા આયોજન વિભાગના ક્લાસ-વન (Class-1) સરકારી અધિકારીએ આર્થિક સંકટ અને દેવાના બોજથી પરેશાન થઈને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. ઉચ્ચ હોદ્દા પર કાર્યરત યુવા અધિકારીના આ કરુણ અવસાનથી સરકારી આલમ અને સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘરે એકલા હતા ત્યારે ભર્યું આત્મઘાતી પગલું
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના વતની પિયુષભાઈ ઉકાણી એક મહિના અગાઉ જ ભરૂચના આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે નિયુક્ત થયા હતા. તેઓ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીના ભાડાના મકાન નંબર A-12માં રહેતા હતા. ભરૂચ સી-ડિવિઝન પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીના પત્ની હાલ સુરત ખાતે હતા અને ઘટના સમયે પિયુષભાઈ ઘરે એકલા જ હતા. આ દરમિયાન તેમણે મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારે તેમનો પાર્થિવ દેહ મળી આવતા સોસાયટીના રહીશો સ્તબ્ધ થઈ ગયા હતા.
સુસાઈડ નોટમાં આર્થિક સંકટ અને માનસિક તણાવનો ઉલ્લેખ
ઘટનાની જાણ મકાન માલિક દ્વારા સી-ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મૃતક અધિકારીએ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. વિવિધ બેંક લોન અને ક્રેડિટ કાર્ડના વધતા જતા દેવાના બોજને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા. આ આર્થિક સંકડામણથી કંટાળીને જ તેઓ આ અંતિમ પગલું ભરી રહ્યા છે.
પરિવાર સ્તબ્ધ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ હૃદયદ્રાવક ઘટના અંગે અમરેલી અને સુરત રહેતા અધિકારીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. નાની ઉંમરે સરકારી સેવામાં ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા પિયુષભાઈના આવા આકસ્મિક પગલાથી તેમના સાથી કર્મચારીઓ અને મિત્રવર્તુળ આઘાતમાં સરી પડ્યા છે. હાલ સી-ડિવિઝન પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી સાથે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
સી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.









