Bharuch

ભરુચની જામા મસ્જિદ એ જૈન મંદિર, મલ્લિનાથની મૂર્તિ મળવી એ મોટો પુરાવો, હાઈકોર્ટમાં અરજી

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ભરૂચની 14મી સદીની જામા મસ્જિદ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. હરિશંકર જૈન સહિત પાંચ સ્થાનિકોએ, મસ્જિદમાંથી મળેલ જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથજીની મૂર્તિની સુરક્ષા અને પૂજાની માંગ સાથે અરજી કરી છે. ASI એ મૂર્તિ મળી હોવાનું સ્વીકાર્યું, પરંતુ પૂજાની મંજૂરી અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે તેમ જણાવ્યું. જસ્ટિસ નિશા ઠાકોરે ASI ને સંપૂર્ણ સૂચના રજૂ કરવા નિર્દેશ કર્યો છે. વધુ સુનાવણી 11મીએ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરુચની જામા મસ્જિદ એ જૈન મંદિર, મલ્લિનાથની મૂર્તિ મળવી એ મોટો પુરાવો, હાઈકોર્ટમાં અરજી

Bharuch Jama Masjid Jain Temple Row : 14મી સદીની ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ અંગેનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. હરિશંકર જૈન અને રાહુલ દીવાન સહિતના પાંચ સ્થાનિકોએ હાઇકોર્ટમાં અરજી કરીને મસ્જિદ પરિસરમાંથી મળેલી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથજીની મૂર્તિની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ જૈન સમુદાયના સભ્યોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા માગણી કરી છે. આ કેસમાં જસ્ટિસ નિશા ઠાકોરે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના વકીલને પુરાતત્વ વિભાગમાંથી સંપૂર્ણ સૂચના મેળવી રજૂ કરવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા. 11મીએ મુકરર કરી છે.

'આ મસ્જિદ નહીં પરંતુ રાષ્ટ્રીય વારસો ધરાવતું જૈન મંદિર છે'

અરજદારોની રજૂઆત મુજબ, વડોદરા ASI સર્કલમાં જૈન મંદિરની ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધણી થઈ છે. અરજદારોએ મધ્યપ્રદેશ હાઇકોર્ટના ભોજશાળા કેસના ચુકાદાનો આધાર લેતાં દાવો કર્યો છે કે આ મોન્યુમેન્ટ જૈન શૈલીનું છે અને તેને અશોભોદ તીર્થ તથા શકુનિકા વિહાર જૈન-હિન્દુ મંદિર તરીકે જાહેર કરવું જોઈએ. અરજદારોએ આશંકા વ્યક્ત કરી છે કે ચાલી રહેલા તણાવ અને શુક્રવારની નમાજ દરમિયાન પવિત્ર મૂર્તિ તથા પિલ્લરોને નુકસાન પહોંચાડવાની કોશિશ થઈ રહી છે.

ASI નો સ્વીકાર: મલ્લિનાથજીની મૂર્તિ મળી હોવાની વાત સાચી

સુનાવણી દરમિયાન ASI ના વકીલે સ્વીકાર કર્યો હતો કે મલ્લિનાથ ભગવાનની મૂર્તિ મળી આવી હોવાની વાત હકીકત છે. ASI એ સ્પષ્ટતા કરી હતી કે તેમનું મુખ્ય કામ સ્મારક અને મોન્યુમેન્ટની જાળવણીનું છે, જ્યારે પૂજાની મંજૂરી આપવા અંગેનો આખરી નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. બીજી તરફ સરકારપક્ષે પણ જણાવ્યું હતું કે મૂર્તિ અને સ્મારકનું સંરક્ષણ ચોક્કસ જરૂરી છે અને રિપોર્ટ મુજબ કેટલાક પિલ્લરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.

ભોંયરામાંથી મૂર્તિ મળતાં થયો હતો ચોંકાવનારો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની શરૂઆતમાં જામા મસ્જિદના ભોંયરામાંથી તપાસ દરમિયાન ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવતાં આ સ્થળ જૈન મંદિર હોવાનો ખુલાસો થયો હતો. પ્રાચીન ઇતિહાસ અને પુસ્તકો મુજબ, ભરૂચનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું અને પહેલી સદીથી તે હિન્દુ-જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. રાજકુમારી સુદર્શના કુમારી દ્વારા બંધાવવામાં આવેલા શકુનિકા વિહાર અને આચાર્ય જૈનપ્રભા સૂરીના પુસ્તકોના આધાર સાથે જૈન સમાજે પોતાના પવિત્ર ધાર્મિક સ્થળની ખાસ સુરક્ષા અને પૂજાના અધિકાર માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.