તું મારું ઘર ભાંડવા બેઠી છે..મુજમહુડાની IT કંપનીની ઓફિસમાં પરિણીતાએ મહિલા કર્મચારીને લોહીલુહાણ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના મુજમહુડા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીની ઓફિસમાં આજે સવારે એક મહિલા કર્મચારી પર બહારથી ધસી આવેલી પરિણીતાએ હુમલો કરી લોહીલુહાણ કરી દેતાં ભારે હોબાળો મચી ગયો હતો.સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે હુલો કરનાર તરસાલી વિસ્તારની પરિણીતા સામે ગુનો નોંધ્યો છે.
મુજમહુડા ખાતે આવેલી વેબ સોલ્યુશન કંપનીની ઓફિસમાં આજે સવારે સાડા નવેક વાગ્યે બનેલા બનાવની વિગત એવી છે કે કંપનીમાં ફરજ બજાવતી હેમા (નામ બદલ્યું છે)તેની કેબીનમાં અન્ય મહિલા કર્મી સાથે ઓનલાઇન કામ કરી રહી હતી ત્યારે એકાએક મિનલ (નામ બદલ્યું છે)નામની તેની પરિચિત મહિલા કેબીનમાં ધસી આવી હતી.
મિનલે આવતાંની સાથે જ ગાળાગાળી કરી હેમા સાથે ઝપાઝપી કરી હતી.મિનલનો પતિ હેમાના ભાઇનો મિત્ર થતો હોવાથી હેમા તેના પતિ સાથે ફોન પર વાતો કરતી હોવાનો વહેમ રાખીને મિનલે હુમલો કર્યો હતો.મિનલે મોટેમોટેથી બૂમો પાડીને બેફામ ઉચ્ચારણો કરી કહ્યું હતું કે,તું મારું ઘર તોડાવવા બેઠી છે,બહાર નીકળ તને પતાવી દેવાની છે.
ઇજાગ્રસ્ત હેમાએ પોલીસને કહ્યું છે કે મિનેલે તેની બંગડી વડે મારા મોંઢાના ભાગે ઘસરકા કર્યા હતા અને મને ધક્કો માર્યો હતો.તેણે તેના હાથમાંનો મોબાઇલ મારા માથામાં ફટકારતાં હું લોહીલુહાણ થઇ હતી. મારા સ્ટાફના માણસો આવી જતાં મિનલને નીચે લઇ ગયા હતા અને મને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.જે પી રોડ પોલીસે આ અંગે મિનલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




