Baroda

‘ગણપતિ બાપ્પા મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યા’ના નાદ સાથે બાપ્પાને ભારે હૈયે વિદાય : વડોદરામાં 25 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં આજે, શુક્રવારે અનંત ચતુર્દશીએ 25 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું. ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો' ના નાદ સાથે બાપ્પાને વિદાય આપી. શહેરમાં 11 સ્થળોએ, જેમાં 23 કૃત્રિમ તળાવોનો સમાવેશ થાય છે, ત્યાં વિસર્જન કરાયું. 7 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ અને ડ્રોન કેમેરાથી બંદોબસ્ત ગોઠવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ગણપતિ બાપ્પા મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યા’ના નાદ સાથે બાપ્પાને ભારે હૈયે વિદાય : વડોદરામાં 25 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

Vadodara Ganesh Visarjan : વડોદરા શહેરમાં આજે શુક્રવાર, 25 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના પાવન પર્વે ગણેશોત્સવનું વિધિવત સમાપન થઈ રહ્યું છે. ઘર અને પંડાલમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની પૂજા-આરતી કર્યા બાદ ભક્તો દ્વારા વિધિવત રીતે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં હજારો સ્થળોએ સ્થાપિત કરાયેલી ગણેશજીની મૂર્તિઓને ધામધૂમથી પરંતુ ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે.
સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ડીજે, ઢોલ-નગારાના તાલે તથા અબીલ-ગુલાલની છોળો વચ્ચે ગણેશજીની પ્રતિમાઓ સાથે ધર્મયાત્રા કાઢવામાં આવી રહી છે. ‘ગણપતિ બાપ્પા મોરિયા… આવતા વર્ષે વહેલા આવજો’ના નાદ સાથે ભક્તો દ્વારા બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે. શહેરમાં આજે 25 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થવાની શક્યતા છે અને વહેલી સવાર સુધી વિવિધ વિસર્જન સ્થળોએ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન ચાલુ રહેશે.
ગણેશ વિસર્જનને પગલે શહેર પોલીસ દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટેકનોલોજીના માધ્યમથી શહેરના તમામ ગણેશ પંડાલોનું મેપિંગ કરવામાં આવ્યું છે. ગણેશજીની મૂર્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ વિસર્જન દરમિયાન મૂર્તિઓની હેરફેરના સમગ્ર માર્ગ પર બોડીવોર્ન કેમેરા, સીસીટીવી અને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. એસઆરપી, એસએએફ, સીઆઇએસએફ, આરએએફ અને બીએસએફની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ, હોમગાર્ડ સહિત આશરે 7 હજાર સુરક્ષા કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત છે.
વિસર્જનને ધ્યાનમાં રાખીને શહેરના તળાવો તરફ જતા કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તળાવ નજીક ભીડ વધુ રહેતી હોવાથી કેટલાક સ્થળોએ ડીજે વગાડવા પર પણ પ્રતિબંધ છે. એસટી બસો અને ભારવાહક વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. વાહનચાલકોને પણ પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે.
વડોદરા જિલ્લામાં શ્રીજી મૂર્તિઓના વિસર્જન માટે કુલ 23 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. તે પૈકી 10 તળાવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અને 13 તળાવો વુડાની હદમાં બનાવવામાં આવ્યા છે. શહેરમાં આજે 11 સ્થળોએ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં 11 સ્થળોએ શ્રીજીનું વિસર્જન

ગોરવા દશામાં મંદિર તળાવ, નવલખી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવ, બીલ ગામ કૃત્રિમ તળાવ, એસએસવી-2 વાઘોડિયા રોડ કૃત્રિમ તળાવ, માંજલપુર કૃત્રિમ તળાવ, તરસાલી કૃત્રિમ તળાવમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ, મકરપુરા ગામ કૃત્રિમ તળાવમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ, કિશનવાડી કૃત્રિમ તળાવ, લેપ્રેસી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવ, હરણી-સમા કૃત્રિમ તળાવ અને હરણી કલ્ચર પાર્ક તળાવમાં ત્રણ ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.