ચાર દરવાજામાં ખરીદીના ધસારા વચ્ચે પોલીસની ગેરહાજરી કેમ ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રવિવારની રજાના પગલે નવરાત્રિની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ ઊમટી પડતા અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતા વાહનચાલકો પરેશાન થયા હતા.
નવરાત્રિનો આજથી પ્રારંભ થતાં જ શહેરની બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઊમટી પડી હતી. નવાબજાર, મંગળબજાર, ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં આખો દિવસ ટ્રાફિક રહ્યો હતો. નવરાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો અને નવરાત્રિની તૈયારીઓ માટે ખરીદીની સાથે દિવાળીના તહેવારની ખરીદી પણ શરૃ થતાં ભારે ભીડ જોવા મળી રહી છે.
બીજી તરફ, ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરતાં સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. માંડવી, ચાર દરવાજા સહિતના મુખ્ય માર્ગો પર લારી-પથારાના દબાણો અને રસ્તા પર આડેધડ વાહનો પાર્ક થવાથી ટ્રાફિકની સમસ્યા વકરી ગઈ છે. ટ્રાફિક પોલીસની નહિવત્ કહેવાય તેવી હાજરી વચ્ચે વાહનવ્યવહાર સરળતાથી ચાલે તેવી વ્યવસ્થા જોવા મળતી નથી.
આજે બપોરે માંડવી પાસે રિક્ષા સ્ટેન્ડના કારણે સર્જાયેલા ભારે ટ્રાફિકમાં કાર પસાર થઈ શકતી ન હોવાથી કારચાલક અને રિક્ષાચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી પણ થઈ હતી. આ ઉપરાંત માંડવી ઈમારતનું રિસ્ટોરેશન ચાલી રહ્યું હોઈ તેની માટે ઊભા કરેલા લોખંડના સ્ટ્રક્ચરથી માર્ગ વધુ સાંકડો બન્યો છે.
દિવાળીના તહેવાર સુધી બજારોમાં ભીડ વધવાની શક્યતા છે ત્યારે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાનું આગોતરું આયોજન કરવા લોકમાગ ઊઠી છે.
પ્રથમ નોરતે જ ખેલૈયાઓ ઊમટતા વાહનોની કતારો
આજે નવરાત્રિના પ્રથમ નોરતે જ ગરબા મેદાને ખેલૈયા મોટી સંખ્યામાં ઊમટી પડતા મોડી રાત સુધી અનેક મુખ્ય માર્ગો પર વાહનોની કતારો જોવા મળી છે. નવલખી મેદાન પાસે, રાજમહેલ રોડ, જૂના પાદરા રોડ, ફતેગંજ અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ખેલૈયાઓની ભીડને કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. દર વર્ષે નવરાત્રિ દરમિયાન ગરબાના મોટા આયોજનોની આસપાસ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.




