વડોદરા શહેરમાં VVIP માટે રસ્તા ચકાચક, ભક્તો માટે બિસ્માર કેમ? : શ્રાવણમાં નવનાથ મહાદેવના દર્શને જતા ભક્તોને હેરાન પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના નવનાથ મહાદેવના મંદિરોમાં મોટી સંખ્યામાં સ્થાનિક તથા બહારગામથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. શ્રાવણના સોમવાર અને કાવડ યાત્રા દરમિયાન ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોય છે, પરંતુ નવનાથ મહાદેવના મંદિરો તરફ જતા અનેક માર્ગોની બિસ્માર હાલત ભક્તો માટે મુશ્કેલીરૂપ બની છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા, તૂટેલા અને ઉબડખાબડ રસ્તા, વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ અપૂરતી સ્ટ્રીટ લાઇટના કારણે વૃદ્ધો, મહિલાઓ, બાળકો, વાહનચાલકો અને પગપાળા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી નવનાથ મહાદેવના મંદિરો તરફ જતા માર્ગોનું તાત્કાલિક સમારકામ અને નવીનીકરણ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી, વડાપ્રધાન, મંત્રી કે અન્ય VVIPની મુલાકાત હોય ત્યારે તેમના રૂટના રસ્તાઓ તાત્કાલિક ધોરણે ચકાચક કરી દેવામાં આવે છે, તો સામાન્ય નાગરિકો અને ભગવાનના દર્શન માટે જતા ભક્તો માટે રસ્તા સુધારવામાં તંત્ર આટલી ઉદાસીનતા કેમ દાખવે છે? શું સામાન્ય નાગરિકો અને ભક્તોની સુવિધા કરતાં VVIP મુલાકાતને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે? કોંગ્રેસે નવનાથ મહાદેવના તમામ મંદિરો તરફ જતા મુખ્ય માર્ગોનો તાત્કાલિક સર્વે કરી બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા, મોટા ખાડા પુરવા, જરૂરી સ્થળોએ રસ્તાનું સંપૂર્ણ નવીનીકરણ કરવા, વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ ભક્તોની સુરક્ષા માટે સ્ટ્રીટ લાઇટ અને માર્ગ સલામતીની સુવિધા ઉભી કરવા માંગ કરી છે.
આ ઉપરાંત, શ્રાવણના બાકી દિવસો અને સોમવાર દરમિયાન ટ્રાફિક તથા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ભક્તોને કોઈ અકસ્માત કે મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાં લેવા પણ રજૂઆત કરવામાં આવી છે.









