Baroda

વડોદરાના પૂર્વ અને દક્ષિણમાં વુડા ૧૭.૫૬ કિ.મી. લાંબો રિંગ રોડ બનાવશે

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના 75 મીટર પહોળા રિંગ રોડના બીજા ફેઝ માટે સરકારે 433 કરોડના અંદાજિત ખર્ચ સામે પ્રથમ તબક્કે 75 કરોડ મંજૂર કર્યા છે. 17.56 કિલોમીટરના આ રોડ માટે હવે વુડા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે. આ રિંગ રોડથી શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે, અને સ્ટેટ તેમજ નેશનલ હાઈવે પર પણ રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના પૂર્વ અને દક્ષિણમાં વુડા ૧૭.૫૬ કિ.મી. લાંબો રિંગ રોડ બનાવશે

વડોદરા ફરતે ૭૫ મીટર પહોળા રિંગ રોડની પ્રથમ ફેઝની કામગીરી હાલ ચાલી રહી છે અને બીજા ફેઝના કામ માટે તંત્રએ કમર કસી છે. બીજા ફેઝ માટે કુલ ૧૭.૫૬ કિલોમીટર લાંબા આશરે રૃા.૪૩૩ કરોડની કિંમતના રિંગ રોડ માટે સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રૃા.૭૫ કરોડ મંજૂર થતા હવે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે વુડાની બીજી વર્ષ-૨૦૧૨ની વિકાસ યોજનામાં આશરે ૬૬.૦૯ કિ.મી. લંબાઇ ધરાવતા ૭૫ મીટર પહોળાઇના રોડને સૂચિત કરવામાં આવ્યો હતો. વુડા દ્વારા શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમોમાં કુલ ૨૭.૫૮૦ કિ.મી. પહેલા તબક્કામાં રિંગરોડ બનાવવાનંઇ કામ હાલ ચાલું છે. વુડા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ રિંગ રોડનું ૯૫ ટકા કામ પૂર્ણ કરી દેવાયું છે અને બાકીનું કામ ૪ માસમાં પૂર્ણ કરી દેવાશે.
પ્રથમ તબક્કાના રિંગ રોડનું કામ હજી અધૂરું છે અને બીજા તબક્કાના કામ માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. ફેઝ-૨ના રિંગ રોડની કુલ લંબાઇ ૧૭.૫૬ કિલોમીટર છે. આ રોડના પણ બે તબક્કા છે. પ્રથમ તબક્કો વડોદરા-હાલોલ રોડથી આજવારોડ સુધી ૬.૦૬ કિ.મી. તેમજ બીજો તબક્કો વડોદરા-ડભોઇ રોડથી વરણામા પાસેના ત્રિમંદિર સુધી ૧૧.૫૦ કિ.મી.નો છે.
રિંગ રોડના ફેઝ-૨ માટે થનારા કુલ અંદાજીત ખર્ચ રૃા.૪૮૩ કરોડની દરખાસ્ત નવેમ્બર-૨૦૨૫માં સરકારમાં વુડા દ્વારા કરવામાં આવી હતી અને ફેબુ્રઆરી માસમાં થનારા ખર્ચને સૈધ્ધાંતિક મંજૂરી આપી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં કુલ રૃા.૭૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વુડા દ્વારા આ રિંગ રોડ માટે હવે ટેન્ડર બહાર પાડવામાં આવશે તેમ તાજેતરમાં વુડાની મળેલી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

સ્ટેટ અને નેશનલ હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે

વડોદરાના પૂર્વ વિસ્તારમાં વુડા દ્વારા રિંગ રોડના પ્રથમ ફેઝનું કામ અંતિમ તબક્કામાં છે અને હવે તેને જોડતા બીજા ફેઝનું કામ પૂર્ણ થતાં જ હાલોલ-વડોદરા રોડનો ટ્રાફિક આ રિંગ રોડ પર ડાયવર્ટ થઇ શકશે અને આ સ્ટેટ હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે. જ્યારે રિંગ રોડનો ટ્રાફિક વરણામા ત્રિમંદિર પાસે નેશનલ હાઇવેને ટચ થશે જેથી હાઇવે પરના પણ ટ્રાફિકમાં ઘટાડો થશે તેમ તંત્ર માની રહ્યું છે.

રિંગ રોડના બીજા ફેઝ માટે છ બ્રિજ બનશે

વડોદરાની ફરતે રિંગ રોડના બીજા ફેઝની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. બીજા ફેઝના રિંગ રોડ પર નાના-મોટા કુલ છ બ્રિજ બનશે. વડોદરા-વાઘોડિયારોડ પર ફ્લાયઓવર બ્રિજનું આયોજન છે જ્યારે રતનપુર પાસે રેલવે બ્રિજ, વડોદરાથી આજવારોડ વચ્ચે, તરસાલી ધનિયાવી વચ્ચે વોરાગામડી પાસે, જાંબુઆ નદી પર માઇનોર બ્રિજ અને આમલીયારા પાસે કેનાલ ક્રોસિંગ બ્રિજ બનાવાશે.