Baroda

વડોદરાની યુવા એથ્લીટનું ગૌરવ વધ્યું : માનસી શેલારને ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’ માટે સરદાર પટેલ જુનિયર એવોર્ડ

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાની યુવા એથ્લેટિક્સ પ્રતિભા માનસી શ્રીકાંત શેલારને ગાંધીનગર ખાતે પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરાયા છે. "આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર" એવોર્ડ મેળવી માનસીએ શહેરનું ગૌરવ વધાર્યું છે. 100 અને 200 મીટર સ્પ્રિન્ટમાં 53 મેડલ જીતી ચૂકેલી માનસી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સુક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની યુવા એથ્લીટનું ગૌરવ વધ્યું  : માનસી શેલારને ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’ માટે સરદાર પટેલ જુનિયર એવોર્ડ

Vadodara News : વડોદરાની યુવા એથ્લેટિક્સ પ્રતિભા માનસી શ્રીકાંત શેલારને તેમની ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે શક્તિદૂત 2.0 યોજનાના શુભારંભ પ્રસંગે માનસીને એથ્લેટિક્સ વર્ષ 2018-19 માટે ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં રાજ્યના કુલ 799 રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા એક દાયકામાં એથ્લેટિક્સ ક્ષેત્રે કરેલા સતત શાનદાર પ્રદર્શન બદલ માનસીને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે.
માનસી શેલાર 100 મીટર અને 200 મીટર સ્પ્રિન્ટમાં ભાગ લે છે. નેશનલ, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલની વિવિધ સ્પર્ધાઓમાં તેણે અત્યાર સુધીમાં કુલ 53 મેડલ જીત્યા છે. જેમાં 4 નેશનલ, 25 સ્ટેટ અને 24 ડિસ્ટ્રિક્ટ લેવલના મેડલનો સમાવેશ થાય છે. ખેલો ઈન્ડિયા, યુનિવર્સિટી નેશનલ્સ અને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ તેણે પ્રતિનિધિત્વ કર્યું છે. શ્રેષ્ઠ રમતગમત પ્રદર્શન બદલ તેને ‘બેસ્ટ એથ્લેટિક્સ ટ્રોફી’થી પણ સન્માનિત કરવામાં આવી છે.
માનસીએ પોતાની સફળતામાં આંતરરાષ્ટ્રીય ખેલાડી ડી.કે.માલવિયાના માર્ગદર્શનને મહત્વપૂર્ણ ગણાવ્યું છે. તેમની પાસેથી તાલીમ મેળવીને માનસીએ પોતાની રમતને વધુ મજબૂત બનાવી છે. રમતગમત ક્ષેત્રે પ્રખ્યાત પ્રશાસક લક્ષ્મણ કરંજગાંવકરનો પણ તેને સતત સહયોગ મળ્યો છે.
એવોર્ડ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતાં માનસીએ જણાવ્યું હતું કે આ તેમના માટે ગૌરવની ક્ષણ છે. આ સન્માનથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તેમજ આગામી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે રમવાની તેમની મહત્વાકાંક્ષાને વધુ પ્રેરણા મળી છે. શક્તિદૂત 2.0 યોજના રમતવીરોને વધુ પ્રોત્સાહન આપશે અને તેમને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બનશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
હાલમાં માનસી સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે અને અભ્યાસની સાથે એથ્લેટિક્સમાં કારકિર્દી આગળ ધપાવી રહી છે.