વડોદરા: શિયાળામાં પ્રદૂષણ વધશે તો જવાબદાર કોણ? GPCBના ઝીરો ટોલરન્સ સામે મહેકમની અછતનો પડકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: શિયાળાની ઋતુમાં તાપમાન ઘટવાની સાથે હવામાં પ્રદૂષકોનું પ્રમાણ વધવાની સંભાવના રહે છે. ખાસ કરીને પવનની ઓછી ગતિ, તાપમાનનું ઉલટું સ્તરીકરણ (ટેમ્પરેચર ઇન્વર્ઝન) અને ધુમ્મસ જેવી પરિસ્થિતિઓને કારણે હવામાં પ્રદૂષકો લાંબો સમય જમા રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઔદ્યોગિક વાયુ પ્રદૂષણ પર અંકુશ મેળવવા વિન્ટર એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ઔદ્યોગિક એકમોનું મોનિટરિંગ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, બીજી તરફ મહેકમની અછત અને અધિકારીઓ પર વધારાના ચાર્જનો બોજ હોવાથી સતત દેખરેખ રાખવાની વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે.
શિયાળામાં વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક એકમોનું ઉત્સર્જન, બાંધકામ પ્રવૃત્તિઓ, રસ્તા પરની ધૂળ અને ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રવૃત્તિઓ હવાના પ્રદૂષણમાં વધારો કરે છે. પરિણામે હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) બગડવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં GPCB દ્વારા પોતાના સ્રોત ઉપરાંત નિષ્ણાત સરકારી માન્ય સંસ્થાની મદદથી મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોનું મોનિટરિંગ કરાવવાની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત હવાના વિવિધ પ્રદૂષકોનું માપન કરવા માટે બે પર્યાવરણ મોનિટરિંગ મોબાઇલ વાહનો પણ કાર્યરત કરવામાં આવ્યાં છે.
બોર્ડના જણાવ્યા અનુસાર, મોનિટરિંગ દરમિયાન કોઈ ઔદ્યોગિક એકમમાં ક્ષતિ કે નિયમભંગ જણાશે તો જવાબદાર એકમ સામે પર્યાવરણીય કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પર્યાવરણને થયેલા નુકસાન બદલ વળતર પણ વસૂલવામાં આવશે. જોકે, માત્ર એક્શન પ્લાન જાહેર કરવાથી કે મોનિટરિંગની વ્યવસ્થા ઊભી કરવાથી પ્રદૂષણ પર અંકુશ મેળવી શકાશે નહીં. તેના માટે નિયમિત તપાસ, સમયસર કાર્યવાહી અને જવાબદારો સામે સતત કડક અમલવારી જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોટાભાગના સરકારી વિભાગોમાં મહેકમની અછત છે. બીજી તરફ શહેરોનો વિસ્તાર અને વસ્તી વધતાં કામગીરીનું ભારણ પણ વધ્યું છે. અનેક અધિકારીઓને એકથી વધુ વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વળી, વિવિધ સરકારી કાર્યક્રમો અને અન્ય કામગીરીમાં પણ અધિકારીઓ તથા કર્મચારીઓને રોકવામાં આવતા હોવાથી મૂળ વિભાગની કામગીરીને અસર થાય છે. આવી સ્થિતિમાં ઔદ્યોગિક એકમોનું સતત મોનિટરિંગ કેટલા અંશે શક્ય બનશે તે પ્રશ્ન છે.
GPCB દ્વારા જાહેર જનતા અને ઔદ્યોગિક એકમોને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જેમાં ખુલ્લામાં કચરો નહીં સળગાવવા, વાહનોનું નિયમિત સમારકામ કરાવવા, બાંધકામ સ્થળે ધૂળ નિયંત્રણનાં પગલાં લેવા અને પ્રદૂષણ સંબંધિત નિયમભંગની જાણ તાત્કાલિક સંબંધિત કચેરીને કરવા જણાવાયું છે.




