બાનાખત રદ કરવા બંને પક્ષોની હાજરી ફરજિયાત, ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ વડોદરામાં છેલ્લા 20 વર્ષના રદ બાનાખતોની તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Banakhat Sub Registrar Notices: ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ બાનાખત રદ મામલે વડોદરામાં 2856 કિસ્સાઓમાં 1% રજિસ્ટ્રેશન ફી લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મિલકત સંબંધી બાનાખત રદ કરવા માટે 1% રજિસ્ટ્રેશન ફી વસૂલવાની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા અગાઉ રદ થયેલા બાનાખતોની વિગતોના આધારે પણ જૂની વસૂલાતો કાઢવામાં આવી છે. આ રકમ ભરપાઈ કરવા માટે બાનાખત કરનારાઓને નોટિસો મોકલવામાં આવી છે, પરંતુ તેમાંથી કેટલી રકમ ખરેખર વસૂલ થઈ શકશે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.
મૂળ કરાર રદ કરતી વખતે બંને પક્ષોની સંમતિ જરૂરી: હાઇકોર્ટ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે ગત ઓક્ટોબર માસમાં આપેલા એક ચુકાદામાં નોંધ્યું હતું કે, "રદ્દીકરણનો લેખ એ કરાર રદબાતલ કરવા સમાન છે." જ્યારે કોઈ પણ પક્ષકાર દસ્તાવેજ રદ કરાવવા માંગે ત્યારે તેને ભારતીય કરાર અધિનિયમ-1872ની કલમ-62ના સંદર્ભમાં જોવો આવશ્યક છે. મૂળ કરાર રદ કરતી વખતે બંને પક્ષોની સંમતિ જરૂરી છે. નોંધાયેલ વેચાણ લેખ એકપક્ષીય રીતે રદ કરી શકાતો નથી; કાયદાની દૃષ્ટિએ આવા એકપક્ષીય રદ્દીકરણ લેખનું કોઈ મૂલ્ય નથી.
વડોદરામાં 1% રજિસ્ટ્રેશન ફી લેવાની શરૂઆત થઈ ગઈ
હાઇકોર્ટના આ હુકમ બાદ રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પ્સ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ, બંને પક્ષોની સંમતિથી જ બાનાખત રદ થઈ શકશે અને તેના માટે 1% રજિસ્ટ્રેશન ફી વસૂલવામાં આવશે. આ પરિપત્ર બાદ વડોદરા શહેર અને જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ બાનાખત રદ કરવા માટે 1% રજિસ્ટ્રેશન ફી લેવાની શરૂઆત થઈ ગઈ છે. આટલું જ નહીં, વર્ષ 2005થી 2026 સુધીમાં થયેલાં રદ બાનાખતના કિસ્સાઓ શોધીને બાકી રજિસ્ટ્રેશન ફી વસૂલવા માટેની નોટિસો ઈશ્યૂ કરવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે.
બાનાખત રદ થયા હોય તેવા 2856 કિસ્સાઓ શોધી કાઢવામાં આવ્યા
વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી સબ-રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા એકતરફી બાનાખત રદ થયા હોય તેવા 2856 કિસ્સાઓ શોધી કાઢવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 8.25 કરોડની ઘટતી નોંધણી ફી વસૂલવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કબજા વગરના બાનાખત માટે રૂ. 300ના સ્ટેમ્પ પર માત્ર રૂ. 100 ફી
મિલકત સંબંધી કબજા વગરના બાનાખત માટે અત્યાર સુધી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર માત્ર રૂ. 100 રજિસ્ટ્રેશન ફી ભરીને નોંધણી થતી હતી. જ્યારે કબજા સાથેના બાનાખતમાં અવેજની રકમ પર 1% રજિસ્ટ્રેશન ફી અને 4.9% સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે. હવે આ બંને પ્રકારના બાનાખત રદ કરવા માટે જ્યારે બંને પક્ષો સબ-રજિસ્ટ્રાર કચેરીએ આવે ત્યારે અવેજની રકમના 1% લેખે રજિસ્ટ્રેશન ફી વસૂલવાનું શરૂ કરાયું છે.
અકોટામાં રદ થયેલા બાનાખતોની સંખ્યા સૌથી વધુ
છેલ્લા 20 વર્ષમાં રદ થયેલા બાનાખતના દસ્તાવેજો શોધવાની કવાયતમાં પ્રથમ તબક્કે કુલ 2856 દસ્તાવેજો મળી આવ્યા છે. વડોદરા શહેરની ચાર કચેરીઓ (વડોદરા-1 સિટી, બાપોદ, દંતેશ્વર અને અકોટા) પૈકી સૌથી વધુ 1461 કેસો અકોટા કચેરીમાં નોંધાયા છે. જ્યારે દંતેશ્વરમાં 456, સિટીમાં 938 અને બાપોદમાં 1 કેસ મળી આવ્યો છે.
બાનાખત રદ કરાવવા હવે બંને પક્ષોની હાજરી ફરજિયાત
અગાઉ બિલ્ડરો દ્વારા એકતરફી બાનાખત રદ કરી દેવાતા હતા, જેના કારણે ઘણી વાર કાનૂની ગૂંચવણો ઊભી થતી હતી અને સરકારને રજિસ્ટ્રેશન ફીનું પણ નુકસાન થતું હતું. નવા પરિપત્રના અમલ બાદ હવે બાનાખત રદ કરાવવા માટે બિલ્ડરો ગ્રાહકો/સભ્યો સાથે સંયુક્તપણે કચેરીએ આવતા થયા છે.









