વડોદરામાં 2025ના જૂન માસમાં 10 ઇંચ અને આ વર્ષે માત્ર દોઢ ઇંચ વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain : વડોદરામાં મેઘરાજાએ લાંબા સમયથી વિરામ કરતા લોકો આકરા બફારાનો સામનો કરી રહ્યા છે. વરસાદની રાહ જોવા છતાં હજી પણ વરસાદ નહી વરસતા તેમજ નજીકના દિવસોમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવા કોઈ ચિન્હો હવામાનખાતા દ્વારા નહી જણાતા જગતનો તાત પણ ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં આજ સુધી માત્ર 36 મિમી એટલે કે દોઢ ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે અને આગામી સપ્તાહના વરતારા પર નજર નાંખવામાં આવે તો પ્રથમ ચાર દિવસ માત્ર વાદળિયું વાતાવરણ રહેશે તેમ દર્શાવાયું છે ત્યાર બાદ હળવો વરસાદ પડશે તેવો આશાવાદ છે. જો કે ચોમાસાની ઋતુ બેસે તેવા વરસાદ માટે હજી પણ રાહ જોવી પડશે તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે.
ગત 2025ના વર્ષમાં ચોમાસાની ઋતુ જૂન મહિનામાં જ બેસી ગઈ હતી અને જૂન મહિનામાં તો 247 મિમી એટલે કે 10 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં ખાબકી ગયો હતો. સિઝનના કુલ વરસાદ સામે 25 ટકા વરસાદ પ્રથમ માસમાં જ પડયો હતો જેથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. જ્યારે આ વર્ષે હજી સુધી નજીકના દિવસોમાં વરસાદના ચિન્હો જણાતા નથી. ગત વર્ષની તુલના કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં જૂન માસમાં આ વર્ષે માત્ર 14 ટકા જેટલો વરસાદ પડયો છે. અલનિનોની અસરના કારણે વાતાવરણમાં ફેરફાર થયો હોવાથી લોકોને હજી પણ આકરી ગરમી તેમજ બાફનો સામનો કરવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સપ્તાહમાં પણ તાપમાન 37થી 39 ડિગ્રીની વચ્ચે ઊંચું રહેશે.









