Baroda

સાયકલ બજારમાં રાત્રિ ચેકિંગ દરમિયાન વડોદરા પાલિકાની કાર્યવાહી : પથ્થર ગેટ ખાતે ગંદકી ફેલાવનાર બે દુકાનો સીલ કરી

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનના ઉત્તર ઝોને સ્વચ્છતા જાળવવા રાત્રિ ચેકિંગ હાથ ધર્યું હતું. પથ્થરગેટ સાયકલ બજારમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનાર બે દુકાનો, V.R. લાઈટ અને રાલસન ટાયરને સીલ કરાઈ હતી. આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. 17 નોટિસ ઈસ્યુ કરી રૂ. 39,000નો દંડ પણ વસૂલાયો હતો. આ ઝુંબેશ નિયમિત ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયકલ બજારમાં રાત્રિ ચેકિંગ દરમિયાન વડોદરા પાલિકાની કાર્યવાહી : પથ્થર ગેટ ખાતે ગંદકી ફેલાવનાર બે દુકાનો સીલ કરી

Vadodara Corporation : વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તે હેતુથી પાલિકાના ઉત્તર ઝોન દ્વારા રાત્રિ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગત રાત્રીના આ દરમિયાન પથ્થરગેટ સાયકલ બજારમાં તપાસ કરતાં જાહેરમાં કચરો અને થર્મોકોલ ફેંકીને ગંદકી ફેલાવતા દુકાનદારો સામે તંત્રએ લાલ આંખ કરી હતી. સફાઈના નિયમોનો ભંગ કરનારી બે દુકાનોને સીલ કરી દેવામાં આવતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.
પાલિકાના ઉત્તર ઝોનની ટીમ દ્વારા રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પથ્થરગેટ સાયકલ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કેટલીક દુકાનો દ્વારા કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાને બદલે જાહેર રસ્તા અને આસપાસના વિસ્તારમાં કચરો તથા થર્મોકોલ ફેંકવામાં આવતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જાહેર સ્થળોએ આ પ્રકારની ગંદકી ફેલાવવાથી સ્વચ્છતા અભિયાનને અસર થતી હોવા ઉપરાંત રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી તંત્ર દ્વારા સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરમાં ગંદકી ફેલાવવા અને સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરવા બદલ V.R. લાઈટ અને રાલસન ટાયર નામની બે દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. તંત્રની કાર્યવાહીથી ગંદકી ફેલાવનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
17 નોટિસ ઈસ્યુ કરી રૂ.39,000નો દંડ વસૂલાયો
પાલિકાના ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હિતેશ સોલંકી જણાવ્યું હતું કે, ગત રોજ રાત્રિના સમયે સુરસાગરની આસપાસ તથા સાયકલ બજાર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ જગ્યાએ ગંદકી અને સ્વચ્છતા ન જળવાતા તંત્ર દ્વારા કુલ 17 નોટિસ ઈસ્યુ કરી હતી અને રૂપિયા 39,000નો દંડ વસૂલાયો હતો. તેમને કહ્યું કે, આ ડ્રાઈવ હવે નિયમિત રીતે ચાલશે જેથી દરેક નાગરિકો તથા કોમર્શિયલ વ્યવસાયકારો પોતાના આંગણા અને ઘરની આજુબાજુ યોગ્ય સફાઈ જળવાઈ રહે તેનું પાલન કરે.