Baroda

વડોદરા પાલિકાએ અંદાજ કરતાં 25થી 29 ટકા વધુ ભાવે ડ્રેનેજના સમારકામના કોન્ટ્રાક્ટો પધરાવ્યા!

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરા મહાનગરપાલિકામાં ઇમરજન્સી કામગીરીના નામે ડ્રેનેજ લાઈનના સમારકામમાં વિવાદ સર્જાયો છે. GPMC એક્ટની કલમ 67(3)C હેઠળ કોન્ટ્રાક્ટરોને 25થી 29% વધુ ભાવ ચૂકવાયા છે. કુલ રૂ. 16.83 લાખના અંદાજ સામે રૂ. 21.28 લાખ ચૂકવવાની સંમતિ અપાઈ છે. આ બાબત ગુરુવારે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાલિકાએ અંદાજ કરતાં 25થી 29 ટકા વધુ ભાવે ડ્રેનેજના સમારકામના કોન્ટ્રાક્ટો પધરાવ્યા!

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકામાં જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ ઈમરજન્સી કામગીરીના નામે ડ્રેનેજ લાઈનના સમારકામના કામો કોન્ટ્રાક્ટરોને સોંપવાની પદ્ધતિને લઈ વિવાદ ઊભો થયો છે. વિવિધ વોર્ડમાં ગેટ વાલ્વ તૂટવા, ડ્રેનેજ લાઈનમાં ભંગાણ અને પ્રેશર લાઈનમાં લીકેજની કામગીરી માટે અંદાજિત રકમ કરતાં 25થી 29 ટકા વધુ ભાવ ચૂકવવાની સંમતિ આપવામાં આવી છે. આ કામગીરી પાછળ થયેલા વધારાના ખર્ચની જાણ માટેની દરખાસ્ત આગામી ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠક સમક્ષ રજૂ કરવામાં આવશે.
દક્ષિણ ઝોનના વોર્ડ નંબર 16માં ગાજરવાડી એસટીપી ખાતે ગેટ વાલ્વ તૂટી ગયો હતો. આ કામગીરી જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ 15 જુલાઈના રોજ કોન્ટ્રાક્ટર ભાવિન એન્ટરપ્રાઇઝને સોંપવામાં આવી હતી. કામગીરીનો અંદાજ રૂ.3,13,012 હતો, પરંતુ ભાવ ઘટાડા બાદ કોન્ટ્રાક્ટરે અંદાજ કરતાં 29 ટકા વધુ એટલે કે રૂ.4,03,785માં કામગીરી કરવા સંમતિ દર્શાવી હતી.
વોર્ડ નંબર 8માં ગેંડા સર્કલથી રેસકોર્સ તરફ જતા ભારત પેટ્રોલ પંપ પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થયું હતું. આ સમારકામ કોન્ટ્રાક્ટર ભાવેશ આર.પંડ્યા પાસેથી કરાવવામાં આવ્યું હતું. રૂ.1,87,705ના અંદાજ સામે ભાવ ઘટાડા બાદ પણ અંદાજ કરતાં 25 ટકા વધુ એટલે કે રૂ.2,34,661માં કામગીરી માટે સંમતિ આપવામાં આવી હતી.
આ જ રીતે વોર્ડ નંબર 11ના સુભાનપુરા વિસ્તારમાં સહયોગ મેડિકલ સેન્ટર પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થતાં કોન્ટ્રાક્ટર ભાવેશ આર.પંડ્યાને કામગીરી સોંપવામાં આવી હતી. રૂ.5,86,665ના અંદાજ સામે 25 ટકા વધુ એટલે કે રૂ.7,33,331માં કામગીરી માટે સંમતિ દર્શાવવામાં આવી હતી.
બીજી તરફ મકરપુરા પોલીસ સ્ટેશન પાસે, મકરપુરા સાંઈબાબા મંદિર નજીક, કલાલી એપીએસ, યસ કોમ્પ્લેક્સ, વડસર વીજીએલ, કલાલી એપીએસ-2 અને સયાજી બાગ પાસે ડ્રેનેજની પ્રેશર લાઈનમાં લીકેજની સમસ્યા ઊભી થઈ હતી. આ કામગીરી 9 ફેબ્રુઆરીના રોજ જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ ભાવિન એન્ટરપ્રાઇઝને સોંપવામાં આવી હતી. રૂ.5,95,648ના અંદાજ સામે કોન્ટ્રાક્ટરે ભાવ ઘટાડ્યા બાદ પણ અંદાજ કરતાં 27 ટકા વધુ એટલે કે રૂ.7,56,473માં કામગીરી કરવા સંમતિ દર્શાવી હતી.
આમ, ચાર અલગ-અલગ કામગીરીમાં કુલ અંદાજિત રકમ આશરે રૂ.16.83 લાખ હતી, જેની સામે કોન્ટ્રાક્ટરોને આશરે રૂ.21.28 લાખ ચૂકવવાની સંમતિ આપવામાં આવી છે. એટલે કે અંદાજ કરતાં આશરે રૂ.4.45 લાખ વધુ ખર્ચ થવાનો છે.