Baroda

મુંબઈના વેપારીનું પાંચ કિલો સોનુ લઇ વડોદરાનો સોની ફરાર

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયારોડ પર, ભાવિક સોનીએ મોટો જ્વેલરી શોરૂમ ખોલવાનું કહી મુંબઈના વેપારી હિમાંશુ જૈનને બોલાવ્યા. અઢી કિલો સોનાના દાગીના બનાવ્યા બાદ, વધુ અઢી કિલો સોનું લઈ આવેલા હિમાંશુ પાસેથી કુલ 5 કિલો સોના ભરેલી બેગ ભાવિકના સાગરીતે દુકાનમાંથી ચોરી લીધી. જમવાના બહાને હિમાંશુને લઈ ગયેલો ભાવિક પણ ફરાર થઈ ગયો. બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈના  વેપારીનું પાંચ કિલો સોનુ લઇ વડોદરાનો સોની  ફરાર

વાઘોડિયારોડ પર મોટો જ્વેલરી શો રૃમ કરવાનો છે, તેવું કહીને મુંબઇના વેપારીને વડોદરા બોલાવી તેઓની પાસેનું અંદાજે પાંચ કિલોગ્રામ સોનુ લઇને દુકાન ખુલ્લી મૂકી દુકાનદાર અને તેનો સાગરીત ભાગી ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલા વાઘોડિયારોડ ઝવેરનગર પાસે આવેલા સાંઇ ગણેશ કોમ્પલેક્સમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન ભાડે લઇને ભાવિક સોનીએ ધંધો શરૃ કર્યો હતો. અમારે મોટા પાયે ધંધો શરૃ કરવો છે, તેવું કહીને તેણે મુંબઇના વેપારી હિમાંશુ જૈનનો સંપર્ક કર્યો હતો. મુંબઇના વેપારીએ તેઓને અઢી કિલો સોનુ થોડા સમય પહેલા દાગીના બનાવવા માટે આપ્યું હતું. આજે મુંબઇના વેપારી ફરીથી અઢી કિલો સોનુ લઈને આવ્યા હતા.
હિમાંશુ જૈને દુકાનદાર પાસેથી અઢી કિલોના દાગીના લઇ બેગમાં મૂક્યા હતા, જે બેગમાં અગાઉથી અઢી કિલો સોનુ હતું. ત્યારબાદ વડોદરાનો દુકાનદાર ભાવિક સોની મુંબઇના વેપારીને જમવાના બહાને લઇ ગયો હતો. અંબિકા જ્વેલર્સની દુકાનમાં મુંબઇના વેપારી સાથે આવેલો તેનો માણસ પાંચ કિલો સોનુ ભરેલી બેગ સાથે બેઠો હતો. થોડાસમય પછી આ માણસ વોશરૃમ જવા માટે દુકાનનું શટર નીચું કરીને નજીકમાં ગયો હતો. તે દરમિયાન ભાવિક સોનીનો સાગરીત આવ્યો અને તેણે શટર ઉંચુ કરી દુકાનમાંથી પાંચ કિલો સોનુ ભરેલી બેગ કાઢીને ફરાર થઇ ગયો હતો.આ સાગરીતે બહાર નીકળીને ભાવિક સોનીને જાણ કરતા મુંબઇના વેપારીને લઇને જમવા માટે ગયેલો ભાવિક સોની પણ બહાનું કાઢીને ત્યાંથી નીકળી ગયો હતો. આ અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પાંચ કિલો સોનુ લઇને ભાગી જનાર આરોપી અને તેના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.