વડોદરા: 10 અને 15 કેરેટના સોનાના દાગીના ને 22 કેરેટ ગણી ફાઈનાન્સ કંપની લોન મંજૂર કરી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: દીવાળીપુરા વિસ્તારમાં રહેતા અને 'સ્વયમ કેપિટલ' નામની કંપની ચલાવતા ઉમંગભાઈ બીપીનભાઈ શાહે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે, મારી કંપનીનું મુખ્ય કામ બેંકમાં ગીરવે પડેલા સોનાના દાગીના ખરીદવાનું છે.
બનેલું એવું કે, તપન નવીનચંદ્ર શાહે ચેતન હરીશભાઈ રાવલની વારસિયા ખાતે આવેલી મુથુટ ફિનકોપ બ્રાંચમાં અલગ-અલગ તારીખે સોનાના દાગીના ગીરવે મૂકીને નેટ વજન 326.19 ગ્રામ દર્શાવી કુલ રૂપિયા 33,52,800/- ની લોન લીધી હતી. પરંતુ તપન શાહ આ લોનના હપ્તા ભરી શક્યા ન હતા. દરમિયાન, મુથુટ ગોલ્ડ પોઈન્ટ (અલકાપુરી) ના મેનેજર તનુજ રાવજીભાઈ પરમારે મારી સાથે સંપર્ક કર્યો અને જણાવ્યું કે તપન શાહનું ગીરવે મૂકેલું સોનું રૂપિયા 36,00,000/- ની કિંમતનું છે, જે તમારે ખરીદવું હોય તો ખરીદી લો.
તનુજભાઈના કહેવાથી મેં ગત 06/08/2026ના રોજ વારસિયા મુથુટ ફિનકોપ બ્રાંચની મુલાકાત લીધી હતી. બ્રાંચ મેનેજર ચેતન રાવલે પણ લોનની ભરપાઈ કરવા માટે મને આ સોનું ખરીદવા જણાવ્યું. આથી મેં તપન શાહની ગોલ્ડ લોનની રકમ પેટે પૂરા રૂપિયા 36,00,000/- સીધા તેમના એસ.બી.આઈ. બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ હું, તનુજ પરમાર અને તપન શાહ તે સોનાના દાગીના (ચાર બંગડીઓ, એક હાર અને એક જોડી બુટ્ટી) લઈને અલ્કાપુરી મુથુટ ગોલ્ડ પોઈન્ટ પર ગયા.
ત્યાં તનુજ પરમારે અમારી હાજરીમાં સોનાના દાગીનાનું મેલ્ટિંગ (પીગળવાનું) કામ શરૂ કર્યું. ચાર બંગડીઓ પીગળાવતા તેનું વજન 168.130 ગ્રામ થયું, જે બેંક દ્વારા ૨૨ કેરેટનું હોવાનું કહેવાયું હતું પરંતુ તે માત્ર 10.07 કેરેટનું જ નીકળ્યું. તેમજ હાર અને બુટ્ટી પીગળાવતા તેનું વજન 53.87 ગ્રામ આવ્યું અને તે માત્ર ૧૫.૧૧ કેરેટનું જ હોવાનું બહાર આવ્યું. આમ, બેંક દ્વારા 326.19 ગ્રામ અને 22 કેરેટ હોવાનું કહીને આપવામાં આવેલ સોનું વાસ્તવમાં ખૂબ ઓછી ગુણવત્તાવાળુ નીકળ્યું હતું.
જ્યારે મેં આ બાબતે ઓડિટ રિપોર્ટ કઢાવ્યો ત્યારે ખબર પડી કે ચેતન રાવલે નિયમ વિરુદ્ધ જઈને ઓછા વજન અને ઓછી શુદ્ધતાના સોના સામે ભારે રકમની લોન મંજૂર કરી હતી. તનુજ પરમાર અને તપન શાહે મને ખોટી માહિતી આપી મારી પાસેથી ૩૬ લાખ રૂપિયા પડાવી લીધા છે. આ તમામ આરોપીઓએ (તપન નવીનચંદ્ર શાહ, ચેતન હરીશભાઈ રાવલ અને તનુજ રાવજીભાઈ પરમાર) એકબીજાની મદદગારી કરી મારી સાથે મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે.




