Baroda

વડોદરા: રાવપુરામાં ગણેશજીની આગમન યાત્રામાં મારામારી, 7થી 8 યુવકોએ એક યુવકને માર્યો

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના રાવપુરામાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન ન્યાય મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો. શનિવારે રાત્રે 7-8 યુવકોએ એક યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જોકે થોડીવારમાં મામલો થાળે પડ્યો હતો. આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી. ધાર્મિક યાત્રાઓમાં આવી ઘટનાઓ ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: રાવપુરામાં ગણેશજીની આગમન યાત્રામાં મારામારી, 7થી 8 યુવકોએ એક યુવકને માર્યો

Vadodara: વડોદરાના રાવપુરા વિસ્તારમાં શનિવારે રાત્રે ગણેશજીની આગમન યાત્રા દરમિયાન ન્યાય મંદિર પાસે મારામારીની ઘટના બનતા ચકચાર મચી હતી. આગમન યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવકને 7થી 8 જેટલા યુવકો માર મારતા હોવાનું જોવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે રાવપુરા વિસ્તારમાં ગણેશજીની આગમન યાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. યાત્રા ન્યાય મંદિર નજીક પહોંચી ત્યારે કોઈ કારણોસર કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એક યુવકને ઘેરીને કેટલાક યુવકો માર મારતા હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. જોકે ગણતરીની મિનિટોમાં મામલો થાળે પડી ગયો હતો. સમગ્ર ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ કે કેમ તેમજ મારામારીનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દશામાની આગમન યાત્રા દરમિયાન પણ મારામારીની ઘટના સામે આવી હતી. ધાર્મિક આગમન યાત્રાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે નાની બોલાચાલી પણ મારામારીનું સ્વરૂપ ધારણ કરતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે.

આગમન યાત્રા દરમિયાન આવી ઘટનાઓને સામાન્ય ગણીને નજરઅંદાજ કરવાને બદલે પોલીસ અને આયોજકો દ્વારા તકેદારી રાખવી જરૂરી બની છે. ક્યારેક નાની ઘટના પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરવાની શક્યતા રહે છે.