વડોદરા જિલ્લા પંચાયતને કિંમતી મિલકતોની પડી નથી,રેઢી પડેલી હરણીની જમીનનો ખાનગી ઉપયોગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લા પંચાયતને કિંમતી મિલકતો સાચવવાની કોઇ જ પડી નહિ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.જેનું એક ઉદાહરણ હરણી રોડની અંદાજે રૃ.૧૦ કરોડની જમીન છે.
હરણી મેઇન રોડ પર આવેલી અંદાજે ૨૫ હજાર ફૂટ જમીન ઉપર જિલ્લા પંચાયત દ્વારા જુદાજુદા પ્રોજેક્ટ માટે વિચારણા કરવામાં આવી હતી.પરંતુ તેનો અમલ થતો નથી.ગઇ ટર્મમાં ભાજપના સદસ્યોએ આ જમીન પર રૃ.૭ કરોડના ખર્ચે ખેડૂત ભવન બનાવવાનો ઠરાવ કર્યો હતો.પરંતુ આ નિર્ણયને ગાંધીનગરથી અટકાવી દેવાયો હતો.
ઉપરોક્ત જમીનનો કોઇ ખાનગી વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાયેલા સભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે.જેથી આ જમીન પર ફેન્સિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને બજેટમાં તેના માટે રકમ પણ ફાળવવામાં આવી હતી.
જો કે આ જમીનને દસ વર્ષથી ફેન્સિંગ પણ કરવામાં આવી નથી,જેથી જમીન સાચવવામાં જિલ્લા પંચાયત કેમ આટલી બેદરકાર છે તે મુદ્દો વિપક્ષી સભ્યો વારંવાર ઉઠાવી રહ્યા છે અને પંચાયત દ્વારા દર વખતે હવે થોડા જ સમયમાં ફેન્સિંગ કરી દેવાશે તેવો એકનો એક જવાબ આપવામાં આવી રહ્યો છે.




