વડોદરામાં આજે ‘નો યુપીઆઈ ડે’ મનાવી વેપારીઓએ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા સહિત દેશભરમાં યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવાના નિર્ણયના વિરોધમાં આજે 2 ઓક્ટોબરે વેપારીઓ દ્વારા ‘નો યુપીઆઈ ડે’ મનાવવામાં આવ્યો હતો. વડોદરામાં રાવપુરા સ્થિત મહાજનની ગલીના નાકે વેપારીઓએ હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવી સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન (હાથીખાના)ના હોદ્દેદારો પણ વિરોધમાં જોડાયા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર બાદ રૂ.2,000થી વધુના યુપીઆઈ વ્યવહારો પર 0.40 ટકા ચાર્જ અને તેના પર 18 ટકા જીએસટી વસૂલવાની જોગવાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે સરકારે જ યુપીઆઈથી ચુકવણી કરવાની આદત પાડી છે અને હવે તેના પર ચાર્જ વસૂલવો કેટલો યોગ્ય છે? હાલ વેપાર-ધંધામાં મંદીનો માહોલ છે ત્યારે વધારાનો ચાર્જ વેપારીઓ પર આર્થિક બોજ વધારશે. આ નિર્ણયથી રોકડમાં અને બિનહિસાબી વ્યવહારો વધવાની શક્યતા છે અથવા કેટલાક વેપારીઓ આ ચાર્જ આડકતરી રીતે ગ્રાહકો પાસેથી વસૂલશે.
દેશમાં નવ કરોડથી વધુ વેપારીઓ હોવાનો ઉલ્લેખ કરતાં વેપારીઓએ સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની માગ કરી છે.




